તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 23થી વધુ જિલ્લાના 88 તાલુકામાં વરસાદમાં વરસાદ નોંધાયો – સૌથી વધુ સવા ઇંચ વરસાદ અમદાવાદના ધોળકામાં ખાબકયો
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ તંત્રને સ્ટેન્ડ ટુ ના આદેશો જારી – અત્યારસુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર
વાવાઝોડાના સંકટને લઈ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં – એરફોર્સ અને નેવીને પણ એલર્ટ રખાયા
તૌકતે વાવાઝોડના કારણે 165 થી 185 કિમીની ઝડપે જોરદાર તોફાની પવન ફુંકાવાની શકયતા – તૌકતે વાવાઝોડાનો વ્યાપ 35 કિમીની આસપાસનો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.17
2021ના વર્ષનું સૌથી પહેલું વાવાઝોડુ તૌકતે(ઉચ્ચારણમાં તાઉ તે) ગુજરાત રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે મોડી સાંજે ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ભારે ચિંતા અને સહેજ ભયની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાને લઇ મહાખતરાની આગાહી કરી છે, જેને લઇ રાજય સરકાર, કેન્દ્ર સરકાર, સમગ્ર વહીવટી તંત્ર, એનડીઆરએફ, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે સુધી કે, એરફોર્સ અને લશ્કરના જવાનોને પણ સાબદા રખાયા છે અને આ બધા જ તંત્ર એકદમ હાઇએલર્ટ પર છે. રાજય સરકાર પણ કેન્દ્ર સરકારના સંકલનમાં રહી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને સ્ત્રોતો પાસેથી પળેપળની માહિતી અને જાણકારી મેળવી જરૂરી કામગીરી કરી રહી છે. અત્યારસુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. હાલ અરબી સમુદ્રમાંથી મુંબઇ પહોંચેલુ વાવાઝોડ ગુજરાતમાં આજે મોડી સાંજે વેરાવળ, પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાય તેવી શકયતા છે. તૌકતે વાવાઝોડના કારણે 165 થી 185 કિમીની ઝડપે જોરદાર તોફાની પવન ફુંકાવાની શકયતા રહેલી હોઇ તંત્ર એકદમ હાઇએલર્ટ પર છે. નોંધનીય વાત એ છે કે, તૌકતે વાવાઝોડાનો વ્યાપ 35 કિમીની આસપાસનો છે અને તે હાલ 18થી 20 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડુ દિવથી 150 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, તેની ઝડપમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તૌકતે વાવાઝોડાના કારણે પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચવાની હોઇ તંત્ર આ જિલ્લામાં હાઇએલર્ટ મોડ પર છે.
બીજી તરફ તૌકતેની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. અત્યારસુધીમાં, તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 23થી વધુ જિલ્લાના 88 તાલુકામાં વરસાદમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 9 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું મનાઇ રહ્યું છે. બીજી તરફ તૌકતે વાવાઝોડાના પગલે જાનહાની ન થાય તે માટે રાજ્યના 19 જિલ્લાના 675થી વધુ સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી દોઢ લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના ઘણા ખરા જિલ્લા અને શહેરોમાં સામાન્યથી ધોધમાર તો કયાંક ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધોળકામાં પડ્યો હતો. ધોળકામાં સવા એક ઈંચ વરસાદ પડ્યો હતો. તો, સુરેન્દ્રનગરના સાયલામાં એક ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, છોટાઉદેપરુના કવાંટમાં 22 એમએમ, નવસારીના ખેરગામાં 22 એમએમ, સુરેન્દ્રનગરના વઢવાણ અને વલસાડના પારડીમાં 19 એમએમ, ખેડાના માતર અને મહેમદાબાદમાં 17 એમએમ, અમદાવાદના સાણંદ,પંચમહાલના મોરવાહડફ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 12-12 એમએમ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. હાલ તે વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. તૌકતે વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તા.17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે તૌકતે વાવાઝોડુ ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાય તેવી શકયતા છે. બહુ ભયાનક આ વાવાઝોડું. દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે તેવી પણ શકયતા વ્યકત થઇ રહી છે, જેને લઇ રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને સમગ્ર તંત્ર એકદમ હાઇએલર્ટ મોડ પર છે. બીજીબાજુ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ તંત્રને સ્ટેન્ડ ટુ ના આદેશો જારી કરી દીધા છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરથી સ્થાનિક લોકોને બચાવવાના હેતુથી દરિયાકાંઠાના દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો, NDRF અને SDRFની ટીમો પણ સંભવિત અસરવાળા સ્થાનો પર પહોંચી ગઈ છે. વીજપુરવઠો ખોરવાય તેવી સ્થિતિમાં પાવર બેકઅપ ઊભો કરવા પણ સૂચના અપાઈ છે. કુલ 1 હજાર 428 જગ્યાએ પાવર બેક અપ ઊભા કરાયા છે. વીજ કંપનીની 661 ટીમ કાર્યરત છે. 444 આરોગ્યની ટીમ કામે લગાડી છે.
મેડિકલ સુવિધાના ભાગરૂપે 174 આઈસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ રખાયા છે.. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે. તેમણે કહ્યું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે તે માટે 3 દિવસ ચાલે તેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવાયા છે. 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને તંત્ર પણ એકદમ હાઇએલર્ટ પર છે. એરફોર્સ અને નેવીને પણ એલર્ટ રખાયા છે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી રખાઇ છે. ગુજરાત સરકાર વાવાઝોડાને લઇ એકદમ ગંભીર, સજાગ અને એલર્ટ છે.