ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખેડા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને લોકભાગીદારીથી કાર્યાન્વિત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
ગ્રામ્ય કક્ષાએ લોકભાગીદારી થકી પંચાયત દીઠ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરમાં કોરોના પોઝિટીવ દર્દીઓને અસરકારક સારવાર અપાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.7
ગુજરાતના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ખેડા જિલ્લામાં નડિયાદ સિવિલ હોસ્પિટલ, વડતાલ કોવિડ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની સારવાર, સેવા, સુવિધા સહિતની બાબતોની જાત માહિતી મેળવી હતી અને હાજર મેડિકલ સ્ટાફ સહિતના અસરકર્તા લોકોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ત્યારબાદ તેમણે નડિયાદ તાલુકાના નરસંડામાં પીએચસી અને મહેમદાવાદમાં સીએચસીની મુલાકાત પણ લીધી હતી.
ગુજરાતના ગામડાઓ સુધી ગંભીર રીતે પ્રસરી ગયેલા કોરોના વાયરસની પરિસ્થિતિને કાબૂમાં લેવા અને રાજયના ગ્રામજનોને સુરક્ષિત રાખવાની કટિબધ્ધતા વ્યકત કરતાં આજે રાજયના ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના સ્થાપના દિન તા.૧લી-મે ના રોજથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ‘‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’’ અભિયાનનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને કોરોનાની સારવાર સત્વરે પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે રાજ્યના મંત્રી મંડળના સભ્યો સહિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, બોર્ડ-કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ અને રાજકીય આગેવાનોને સોંપાયેલ ગામ કોરોના મુક્ત ન થાય ત્યાં સુધી જવાબદારી નિભાવશે. ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ થયેલા ‘મારૂં ગામ – કોરોના મુકત ગામ’ અભિયાન અન્વયે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ જિલ્લાના ગામોમાં ૧૩૦૬૧ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧ લાખ ર૦ હજાર બેડની ક્ષમતા સાથે ઊભા કરી દેવાયા છે.
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને ત્વરિત સારવાર ઉપલબ્ધ થાય તે માટે લોક ભાગીદારી થકી પંચાયત દીઠ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે અને સંક્રમિત થયેલા દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે તે માટે ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારું ગામ કોરોના મુકત ગામ’ મુહીમ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. રાજ્યના ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે.
ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યુ કે, કોમ્યુનીટની કોવિડ કેર સેન્ટરમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ દવા, પાણી, ભોજન સહિત સ્વસ્થતા સહિતની સુવિધાઓ વિના વિલંબે અને સમયસર મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીઓ અને જે તે જિલ્લાના અધિકારીઓના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ અને તબીબી સેવાઓ પહોચાડી કોરોના મુકત ગામનો સંકલ્પ આપણે પાર પાડવો છે.
આજે ખેડા જિલ્લામાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત દરમ્યાન ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભારપૂર્વક જણાવ્યું કે, અત્યારે ગુજરાત રાજયમાં શહેરોમાં કોરોનાના ઘણા કેસો જોવા મળી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય અને ગ્રામ્ય કક્ષાએ લોકભાગીદારીથી દરેક ગ્રામ પંચાયત દીઠ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર ઉભા કરી ગામમાં જેટલા પણ સંક્રમિત કેસો હોય, જે અત્યારે હોમ આઇસોલેશનમાં હોય તેવા કેસોને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર આપી નાગરિકોને સંક્રમિત થતાં બચાવીને સુરક્ષિત કરવાનો પ્રયાસ રાજય સરકાર દ્વારા હાથ ધરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાન અંતર્ગત કોવિડ પોઝીટીવ કેસો પૈકી લક્ષણો વગરના અને સામાન્ય લક્ષણો ધરાવતી વ્યકિતઓ કે જે અત્યારે હોમ આઇસોલેશનમાં છે, તેઓને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેટ કરી સંક્રમણથી સુરક્ષિત કરી શકાશે. જેના પરિણામે જિલ્લા કક્ષાની હોસ્પિટલોનું ભારણ ઘટશે. શંકાસ્પદ દર્દીઓને સારવાર મળી રહેશે.
ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, ખેડા જિલ્લામાં દર્દીઓને કોરોનાની સારવાર પૂરી પાડવા હાલ 365 ગામોમાં લોક ભાગીદારીથી કોવિડ કેર સેન્ટર કાર્યાન્વિત કરાયા છે. આ સેન્ટરો ખાતે દવાઓ, પલ્સ ઓકિસમીટર વગેરેની વ્યવસ્થા સ્થાનિક પ્રાથમિક આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે. તેમ જ આરોગ્યવિષયક અને અન્ય કામગીરી પણ મેડિકલ ઓફિસર દ્વારા તેઓના તાબા હેઠળના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને તાલુકા, જિલ્લા કક્ષાએ ડેડીકેટેડ કોરીડ હેલ્થ સેન્ટર અથવા તો જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલોમાં ખસેડી સારવાર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ કાર્યાન્વિત કરાઇ છે, જેમાં 155 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 150 ઓકિસજન બેડ અને 20 આઇસીયુ બેડ ઉપલબ્ધ છે તથા જેમાં 18 વેન્ટીલેટર, બાયપેપ સુવિધા ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન વ્યવસ્થા માટે ત્રણ પોર્ટીક્રાયો લીકવીડ ઓકિસજન પ્લાન્ટ ઉપલબ્ધ છે અને લોક ભાગીદારીથી ઓકિસજન જનરેશન પ્લાન્ટ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત યાંત્રિક ભુવન વડતાલ કોવિડ કેર સેન્ટર ખાતે 50 બેડની લોક ભાગીદારીથી કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરાઇ છે. જેમાં હાલ કુલ 26 કોવિડ પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઓકિસજન પ્લાન્ટ અને આરટી-પીસીઆર લેબની પણ મુલાકાત લીધી હતી. તેમણે ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ વડતાલ ખાતે પણ લોક ભાગીદારીથી કોવિડ હેલ્થ સેન્ટર કાર્યાન્વિત કરાયુ છે. જેમાં કુલ 40 ઓકિસજન બેડ સાથેની વ્યવસ્થા તૈયાર કરાઇ છે અને હાલ 26 કોવિડ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. એ જ રીતે ડી.એ.એન્જીનીયરીંગ કોલેજ, મહેમદાવાદ ખાતે પણ 40 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. ત્યાં તમામ દાખલ દર્દીઓને ડિસ્ચાર્જ આપેલ હોવાથી એક પણ દર્દી હાલ સારવાર હેઠળ નથી. ઉપરાંત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહેમદાવાદ ખાતે પણ 25 ઓકિસજન બેડની વ્યવસ્થા માટે કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત છે. જેમાં 25 કોવિડ પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.