સરકાર, તંત્ર અને ખુદ મુખ્યમંત્રીએ અંધશ્રધ્ધાથી દૂર રહેવા અને ગામડાઓમાં કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડા નહી યોજવા ખાસ અપીલ કરી હોવાછતાં કોરોના માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન
શીલજના પલીયડ ગામનો ધાર્મિક મેળાવડાનો વીડિયો વાયરલ થતાં સાંતેજ પોલીસે જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરીઃ ગામડાઓના લોકોને સમજાવવા સરકાર અને તંત્ર માટે પડકારરૂપ
અમદાવાદ,તા.12
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાને લઇ હાહાકાર મચ્યો છે અને ગુજરાતમાં તો હવે ગામડાઓમાં ગંભીર રીતે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે ત્યારે ખુદ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પણ તેનાથી ખૂબ ચિંતિત છે ત્યારે ગામડાઓમાં હજુ પણ અંધશ્રધ્ધા અને માન્યતાઓના ઓછાયા હેઠળ સેંકડો-હજારોની ભીડ જાહેરમાં ખુલ્લેઆમ, બિન્દાસ્ત રીતે ઉમટી રહી છે અને જાણે કોરોનાને પડકાર ફેંકી રહ્યા હોય એમ સરકારી માર્ગદર્શિકા અને તમામ નીતિનિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. શીલજ પાસેના પલીયડ ગામે બળિયાબાપાને પાણી ચઢાવવા માટે ગામની સેંકડો બહેનો એકત્ર થઇ કોરોના વાયરસના સંક્રમણને જાણે જાહેરમાં આમંત્રણ આપી રહી હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે હાથ જોડીને ગામડાના લોકોને અંધશ્રધ્ધા અને ખોટી માન્યતાઓથી દૂર રહેવા, ગામડાઓમાં કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડા નહી યોજવા અને આવી અંધશ્રધ્ધાના ચક્કરમાંથી બહાર નીકળી ગામડાઓમાં શરૂ કરાયેલા કોવીડ કેર સેન્ટરમાં તેમ જ આઇસોલેશન સેન્ટરમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે પરંતુ મુખ્યમંત્રીની આ અપીલ, કોરોના ગાઇડલાઇન્સ કે કેન્દ્રની માર્ગદર્શિકા બધાની જ ઐસી તૈસી કરીને પલીયડ ગામની સેંકડો બહેનોએ ફરી એકવાર ગામડાઓમાં અંધશ્રધ્ધા અને જૂની પુરાણી માન્યતાઓ કેટલી બળવત્તર હોય છે તે વાત સાબિત કરી દીધી છે.
બીજીબાજુ, પલીયડ ગામનો આ વિવાદ વકરતાં સાંતેજ પોલીસ પણ દોડતી થઇ હતી અને 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરી દસથી વધુ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એકબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખાસ કરીને ગામડાઓમાં કોરોના માથા પર કહેર બનીને વરસી રહ્યો છે. ત્યારે હજી પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં રચ્યાપચ્યા રહે છે. હજી તાજેતરમાં જ સાણંદના નિધરાડ ગામનો અંધશ્રદ્ધાનો કિસ્સો તાજો છે. ત્યાં શીલજના પલીયડ ગામનો વધુ એક અંધશ્રદ્ધામાં રાચતા લોકોનો વીડિયો સામે આવ્યો છે. જેમા ગામની મહિલાઓ કોરોનાને ભગાડવા માટે બળિયાબાપાના મંદિરે માથે બેડા લઇ પાણી ચઢાવવા જાહેરમાં કોરોના માર્ગદર્શિકાઓનો સરેઆમ ભંગ કરતી નીકળી હતી.
સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં આવતા પલોડિયા ગામનો વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેમાં ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી હતી અને બળિયાબાપાના મંદિરે પાણી ચઢાવવા મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી હતી. ચોંકાવનારી અને આઘાતજનક વાત તો એ છે કે, વિધિ દરમિયાન કોઈ પણ મહિલાઓએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ વિધિમાં ગામના બાળકો અને પુરુષો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ વીડિયો ગઈકાલનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર વીડિયો વાયરલ થતાં અને વિવાદ વકરતાં સાંતેજ પોલીસ પણ હરકતમાં આવી હતી, આ કાર્યક્રમને લઇ પોલીસ દ્વારા એપેડેમીક એકટ હેઠળ જરૂરી ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે. ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સરકારના તેમ જ તંત્રના અધિકારીઓ ગામડાઓના લોકોને કોરોના સંક્રમણથી બચવા અંધશ્રધ્ધાથી દૂર રહેવા અને ગામડાઓમાં કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડા કે કાર્યક્રમો નહી યોજવા વારંવાર જાહેર અપીલ કરી ખુદ તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવા ઉપરાંત, માર્ગદર્શિકા પણ જારી કરાઇ છે તેમછતાં ગામડાઓમાં અંધશ્રધ્ધા અને જૂની પુરાણી માન્યતાઓ લોકોના મગજમાં કેટલી હદે ઘર કરી ગઇ છે તે વાત સાબિત થઇ જાય છે. સરકાર અને તંત્રએ હવે ગામડાના લોકોને સાચી સમજ અને કોરોના સંક્રમણથી બચાવવા વધુ કારગત અને અસરકારક ઉપાયો અપનાવવા પડશે તે આ મેળાવડા પરથી લાગી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકાર અને તંત્ર માટે ગામડાઓના લોકોને સમજાવવા હવે પડકારરૂપ હોય તેવા કિસ્સા એક પછી એક સામે આવી રહ્યા છે, જેને લઇને પણ સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય અને જરૂરી નિર્ણય લેવાવો જોઇએ.