વડાપ્રધાન મોદીએ લગભગ બે કલાક સુધી એરફોર્સના હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત અને અસરગ્રસ્ત વિસ્તારોનું બારીકાઇથી હવાઈ નિરીક્ષણ કર્યુ
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યુ
વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારો અને લોકો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરાય તેવી શકયતા
અમદાવાદ,તા.19
ગુજરાતના લોકલાડીલા નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ લગભગ બે કલાક સુધી એરફોર્સના હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત અને અસરગ્રસ્ત વિસ્તારોનું બારીકાઇથી હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, વડાપ્રધાન સૌપ્રથમ સૌથી વધુ પ્રભાવિત અને અસરગ્રસ્ત એવા ભાવનગરની મુલાકાત હેતુ ત્યાંના એરપોર્ટ પહોંચ્યા હતા. પૂરગ્રસ્ત જિલ્લાની મુલાકાત બાદ પીએમ મોદી ભાવનગરથી અમદાવાદ અમદાવાદ આવવા રવાના થયા હતા. જ્યાં બપોરે 3-45 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યુ હતું. બેઠકમાં ગુજરાતને તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનો અંદાજનો પણ કયાસ કાઢવામાં આવ્યો હતો અને રાહત પેકેજને લઇને પણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારો અને લોકો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરાય તેવી પૂરી શકયતા છે.
વડાપ્રધાન દિલ્હીથી ભાવનગર પહોચીને તેમણે ગુજરાતનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું હતું. આશરે બે કલાક જેટલો સમય તેમણે આ માટે ફાળવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન અમદાવાદ ખાતે પહોચીને એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યનાં પાંચ મહત્વનાં અધિકારીઓ સાથે તે બેઠક કરશે. આ અધિકારીઓમાં સીએમ, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ , સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે.કૈલાશનાથન ,રેવન્યુ ACS પંકજ કુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિ સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. આઅધિકારીઓ પીએમ ને પ્રેઝન્ટેશન રજૂ કરી સમગ્ર તારાજી, નુકસાની અને તબાહીનું વિગતવાર ચિત્ર રજૂ કર્યું હતું. જેમાં ડીઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વે નો ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. એક અંદાજ પ્રમાણે તૌકતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે ૩૦૦૦ કરોડનું નુકશાન સેવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા કેન્દ્ર કરફથી ગુજરાતને રાહત પેકેજ જાહેર કરાય તેવી સંભાવના છે.
ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌકતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે. તો, ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 45થી વધુ લોકોના અકસ્માત કે દુર્ઘટનામાં કરૂણ મોત નીપજયા છે, જેને લઇ તૌકતે વાવાઝોડાની કારમી થપાટ ગુજરાતના લોકો ભૂલી શકશે નહી.
બોક્ષ – તૌકતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલ નુકસાની-તારાજી
પાવર સેકટર મા -૧૪૦૦ કરોડ
ખેતીવાડી માં – ૧૨૦૦ કરોડ
રોડ બિલ્ડીગ ક્ષેત્રે – ૫૦ કરોડ
અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ
બોક્ષ – તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં વેરેલા વિનાશની વિગતો
વાવાઝોડાના કારણે જાનહાનીની વિગત -માનવ મૃત્યુ : 45
પશુ મૃત્યુ : 635
ગુજરાતમાં વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા : 71
નુકશાન થયેલ વીજળીના થાંભલા : 76174
નુકશાન પામેલ રસ્તા :959
પડી ગયેલ વૃક્ષોની સંખ્યા: 68874
વાવાઝોડાથી બંધ થયેલ રસ્તા : 959
તે પૈકી રીપેર કરેલ રસ્તા : 899
વીજ પુરવઠો બંધ થયેલ ગામો : 9685
તે પૈકી પુન : વીજ પુરવઠો ચાલુ થયેલ ગામો : 5606
નુકશાન પામેલ ઇમારતો :
પાકી ખાનગી ઇમારતો : 1323
કાયા મકાનો / ઝૂંપડા : 28476
સરકારી ઈમારતો / સ્ટ્રક્ટર : 348
સરકારી દવાખાના થી : 3
ખાનગી દવાખાના : 1