અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન, ગેરેજ ફરી એકવાર ધમધમતા થયા
આ તમામ દુકાનો માત્ર 6 કલાક જ ખુલ્લી રાખવાની સરકાર તરફથી પરવાનગી અપાયેલ હોઇ બપોરે 3 વાગ્યા બાદ આ તમામ વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી હતી. બપોરે ત્રણ વાગ્યા પછી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહી હતી
અમદાવાદ,તા.21
ગુજરાતમાં આજથી મીની લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારી આલમમાં ખુશી છવાયેલી જોવા મળી હતી. ખાસ કરીને નાના વેપારી અને ધંધા રોજગારવાળા વર્ગમાં તેમના વેપાર-ધંધા ફરી એકવાર ધમધમતા થતાં ભારે રાહતની લાગણી અનુભવી હતી. લગભગ 40 દિવસ જેટલા લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ જોવા મળ્યા હતા. મીની લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખુલી હતી. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં એક નવી આશા અને ઉત્સાહનો સંચાર જોવા મળતો હતો. આજથી રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન, ગેરેજ ખુલ્યા હતા.
જો કે, ઉપરોકત તમામ દુકાનો માત્ર 6 કલાક જ ખુલ્લી રાખવાની સરકાર તરફથી પરવાનગી અપાયેલ હોઇ બપોરે 3 વાગ્યા બાદ આ તમામ વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી હતી. બપોરે ત્રણ વાગ્યા પછી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહી હતી અને બાકીના તમામ વેપાર-ધંધા અને રોજગાર એકમો બંધ કરવા પડયા હતા. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્પા , બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વિવિધ નિયંત્રણો મૂકી કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં લેવાની નીતિ અપનાવી હતી, જે આખરે કારગત પણ નીવડી હતી અને આખરે 40 દિવસો બાદ કોરોનાના કેસમાં ક્રમશઃ ધીરે ધીરે હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને પગલે ગઇકાલે રાજય સરકાર દ્વારા રાજયમાં મીની લોકડાઉનમાં કેટલાક નિયંત્રણો હળવા કરી વેપારીઆલમને રાહત આપતા નિર્ણયો જાહેર કર્યા હતા. જેને પગલે વેપાર-ધંધા અને રોજગારવાળામાં સરકારના નિર્ણયને લઇ ખુશીની લાગણી પ્રસરેલી જોવા મળી હતી.
સરકારના નિર્ણય મુજબ, આજે સવારે 9 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અમદાવાદ શહેરના મોટા મોટા માર્કેટ ખૂલ્યા હતા તો, શહેરના વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લા, ચાની કીટલીથી માંડી નાના-મોટા વેપાર-ધંધાના એકમ ધમધમતા જોવા મળ્યા હતા. આ જ પ્રકારે વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં પણ વેપાર-ધંધા અને રોજગારમાં પુનઃ ધમધમાટ જોવા મળ્યો હતો. જો કે, આગામી તા.27 મે સુધી આ છૂટછાટ અમલમાં રહેશે. બીજીબાજુ, રાજયના 36 શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે.
સરકારના નિર્દેશાનુસાર, સવારે 9થી બપોરે 3 દરમ્યાન વેપાર-ધંધા ખોલવાની છૂટ મળી હોઇ તે સમયગાળા દરમ્યાન પણ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સરકારની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. રાજયમાં 36 શહેરોમાં આજથી તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ફરી એકવાર ધમધમતા થયા હતા. જો કે, બપોરે ત્રણ વાગ્યા પછી ફરી પાછુ લોકડાઉનની સ્થિતિ અને ત્યારબાદ માત્ર આવશ્યક સેવા ચાલુ જ રાખવાની પરવાનગી મળી હોઇ ત્યા સુધી કોવીડ ગાઇડલાઇન્સનું કડકાઇથી પાલન કરવા સરકાર અને તંત્ર દ્વારા પણ તાકીદ કરાઇ છે. તા.27મી મે પછી જો કોરોના કેસોની પરિસ્થિતિ સુધરશે અને કેસોમાં વધુ ઘટાડો નોંધાશે તો, સરકાર દ્વારા વધુ છૂટછાટો જાહેર કરાય તેવી પણ પૂરી શકયતા છે અને સાથે સાથે રાત્રિ કરફયુમાં પણ રાહત અપાય તેવી શકયતા છે.