જરૂર ના હોય ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા સરકાર દ્વારા સૂચના જારી
સિંહોના કેર ટેકર્સ, જંગલ ટ્રેકર અને સ્ટાફના આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે – અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં સિંહો સહિત તમામ પ્રાણીઓ સુરક્ષિત, 30 જેટલા એનીમલ કીપરના વેકસીનેશન પૂર્ણ, કોરોનાને લઇ પ્રાણીઓની સુરક્ષાને લઇ કાંકરિયા ઝુમાં ખાસ તકેદારી રખાઇ રહી છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
હૈદ્રાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વનવિભાગ અને ઝુ ઓથોરીટીને સૂચના જારી કરી એલર્ટ રહેવા તાકીદ કરી દેવાઇ છે. બીજીબાજુ, હવે આ સમગ્ર મામલે ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના તમામ પ્રાણીસંગ્રહાલય કે જયાં સિંહો છે ત્યાં અને ખાસ કરીને ગીર જગલમા સિંહોનું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સિંહોની સુરક્ષાને લઇ રાજયના વિવિધ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. તો, અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં સિંહો સહિતના તમામ પ્રાણીઓ સુરક્ષિત છે અને અહીંના 30 જેટલા એનીમલ કીપરના ડબલ વેકસીનેશન પૂર્ણ થઇ ગયા છે એટલે કે, આ તમામ એનીમલ કીપરને વેકસીનેશનના ડબલ ડોઝ પૂર્ણ કરી દેવાયા છે. આ સિવાય અન્ય સ્ટાફ કર્મચારીઓને પણ વેકસીનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે.
હૈદ્રાબાદ ઝુમા આઠ સિંહોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે ગુજરાતમાં પણ સિંહોનાં કેર ટેકર્સ, જંગલ ટ્રેકર અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામા આવશે. જરૂર ન હોય ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા પણ સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલીવાર એવુ બન્યું છે કે, પ્રાણીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય. હૈદરાબાદના નહેરુ ઝુઓલોજિકલમાં એકસાથે 8 સિંહો કોરોના સંક્રમિત થયા હોય. 29 એપ્રિલના રોજ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડર મોલેક્યુલર બાયોલોજીએ નહેરુ ઝુઓલોજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટમાં 8 સિંહો પોઝિટિવ થયા છે. જો કે, હવે આ સિંહોની તબિયત સારી હોવાનું જણાવાઇ રહ્યું છે.
દરમ્યાન અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ઝુ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.કે.સાહુએ ભારત મીરર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં કોરોનાને લઇ સિંહો કે અન્ય પ્રાણીઓમાં કંઇ ચિંતા કરવા જેવું નથી. આપણા પ્રાણીસંગ્રહાલયમાં તમામ સિંહો સુરક્ષિત છે. એટલું જ નહી, સિંહો કે અન્ય પ્રાણીઓની સારસંભાળ રાખતા 30 જેટલા એનીમલ કીપરોનું ડબલ વેકસીનેશન પણ પૂર્ણ કરી દેવાયું છે. એટલે કે, આ તમામ કર્મચારીઓને કોરોનાની વેકસીનના ડબલ ડોઝ પૂર્ણ કરાયા છે. આ સિવાય અન્ય સ્ટાફ કર્મચારીઓની વેકસીનેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે. તેમછતાં સિંહો સહિત તમામ પ્રાણીઓની સુરક્ષાને લઇ વધુ સજાગ અને સતર્ક છીએ. આ માટે એનીમલ કીપર્સ અને અન્ય સ્ટાફને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. હાલ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કંઇ ચિંતા કરવા જેવું નથી.