ભારે રસાકસી બાદ સુભેંદુ અધિકારીએ 1953 મતોથી મમતા બેનર્જીને હરાવી, છેલ્લા રાઉન્ડમાં બાજી પલટાઇ, છેક છેલ્લી ઘડી સુધી રોમાંચક અને દિલધડક દ્રશ્યો સર્જાયા
જો કે, ટીએમસીએ મતગણતરી હજુ સુધી પૂરી થઇ નહી હોવાનો દાવો કર્યો અને ફરીથી મતગણતરી કરવા માંગણી કરી
અમદાવાદ, તા.2
પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામનું ચિત્ર આખરે ધીરે ધીરે હવે સ્પષ્ટ થઈ ગયું છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 200થી વધુ સીટો સાથે ફરી એકવાર સત્તા હસ્તગત કરવા જઇ રહી છે. પરંતુ બધાની નજર નંદીગ્રામ સીટ પર હતી. અહીંથી મમતા બેનર્જી અને સુભેંદુ અધિકારી મેદાનમાં હતા. અંતિમ સમય સુધી આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી હતી. અંતે મમતા બેનર્જીને પ્રતિષ્ઠાભર્યા આ જંગમાં 1953 મતોથી ભાજપના ઉમેદવાર સુભેંદુ અધિકારીએ હાર આપતાં બંગાળની રાજનીતિમાં બહુ મોટો અપસેટ સર્જાયો છે. બંગાળમાં ટીએમસી સત્તા રચવા તો જઇ રહી છે પરંતુ મમતા બેનર્જીની હારને લઇ ટીએમસીનો વિજયોત્સવ ચોક્કસપણે થોડો ફિક્કો પડયો છે. ખાસ કરીને દીદીના ચાહકવર્ગમાં તેમની હારને લઇ અફસોસ અને થોડી નિરાશાની લાગણી પ્રસરી ગઇ છે. વાસ્તવમાં નંદીગ્રામ પરની બેઠક પરથી આ વખતે જીત મેળવવાનું ભાજપ અને ટીએમસી માટે ખાસ કરીને મમતા બેનર્જી માટે પ્રતિષ્ઠા અને વર્ચસ્વનો સવાલ હતો જો કે, દીદી નંદીગ્રામની બેઠક બચાવવામાં આખરે નિષ્ફળ રહ્યા હતા. બીજીબાજુ, ટીએમસીએ મતગણતરી હજુ સુધી પૂરી થઇ નહી હોવાનો દાવો કર્યો અને ફરીથી મતગણતરી કરવા માંગણી કરી છે.
મમતા બેનર્જી અને શુભેંદુ અધિકારી વચ્ચે અંતિમ રાઉન્ટ સુધી જંગ જોવા મળ્યો હતો. શરૂઆતી રાઉન્ડમાં અધિકારી આગળ હતા, પરંતુ બાદમાં મમતા બેનર્જીએ બાજી પલટી દીધી હતી. નંદીગ્રામ બંગાળની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ હતી. જ્યાં એક એપ્રિલે 88 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં મતદાન પહેલા મમતા બેનર્જી પણ ચાર-પાંચ દિવસ સુધી નંદીગ્રામમાં રહ્યાં હતા. અહીં ભાજપ તરફથી સુભેંદુ અધિકારી અને લેફ્ટ તરફથી મીનાક્ષી મુખર્જી મેદાનમાં હતા. આજની મતગણતરીમાં છેક છેલ્લા રાઉન્ડ સુધી મમતા અને અધિકારી આગળ-પાછળ જોવા મળ્યા હતા. એક તબક્કે તો, મમતા બેનર્જી 1200થી વધુ મતોથી વિજયી જાહેર પણ થઇ ગયા હતા પરંતુ છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના સુભેંદુ અધિકારીએ દીદીને 1953 મતોથી હાર આપીને ભાજપની શાખ થોડા અંશે પણ બચાવી લીધી હતી. જો કે, દીદીની હારને પગલે દીદી અને ટીએમસીના સમર્થકોમાં નિરાશાની લાગણી પ્રસરી હતી પરંતુ ટીએમસી ફરી એકવાર હસ્તગત કરવાને લઇ ટીએમસીમાં ભારે ઉત્સાહ અને વિજયનો ઉન્માદ પણ જોવા મળતો હતો.
પશ્ચિમ બંગાળની 292 સીટોના ટ્રેન્ડ સામે આવી ગયા છે. ઘણી બેઠકના પરિણામ પણ જાહેર થઈ ચુક્યા છે. અત્યાર સુધી ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણે ટીએમસી 215 સીટો પર આગળ છે. તો ભારતીય જનતા પાર્ટી માત્ર 75 સીટો પર આગળ છે. ભાજપના અનેક મોટા નેતા ચૂંટણી હારી રહ્યા છે.
દરમ્યાન કોરોનાના વધતા કેસને જોતા ચૂંટણી પંચે પરિણામો બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કે ઉજવણી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં તેના ધજાગરા ઉડી રહ્યા છે. જીત ભાળતા જ બંગાળમાં ટીએમસી અને તામિલનાડુમાં ડીએમકેના પાર્ટી સમર્થકોએ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ખુબ ધજાગરા ઉડ્યા. જો કે આ બધુ જોતા ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઉજવણી પર તત્કાળ રોક લગાવવા કહ્યું છે. આ ઉપરાંત જવાબદાર SHOs/officers ને સસ્પેન્ડ કરવા તથા કાર્યવાહી કરવા તાત્કાલિક નિર્દેશો જારી કર્યા હતા. જો કે, જીત મેળવનારા પક્ષના હજારો કાર્યકરો વિજય અને જીતના ઉન્માદમાં કોરોનાની ગાઇડલાઇન્સ અને નિર્દેશોને ભૂલ્યા હતા.