શહેરની એલજી હોસ્પિટલમાં એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન નહી હોવાના પાટિયા લાગ્યા – દર્દી અને તેમના પરિવારજનોની ઇન્જેકશન મેળવવા રીતસરના વલખાં
મ્યુકોરમાઇકોસીસના ગુજરાતમાં ગુજરાતમાં કુલ 2281 કેસો નોંધાયા, અત્યારસુધીમાં કુલ 70થી વધુ મોત, અમદાવાદમાં જ સૌથી વધુ 35થી વધુ દર્દીના મૃત્યુ નોંધાયા
બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો બહુ ગંભીર ખતરો – સરકાર અને તંત્રની સાથે સાથે નિષ્ણાતો પણ દોડતા થયા, કેન્દ્ર તરફથી એમ્ફોટેરીસીન-બીના 5800 ઇન્જેકશન ગુજરાત પહોંચ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.22
ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ મહામારીનો બહુ ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન અમદાવાદ સહિત રાજયભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં બ્લેક ફંગસ બાદ વ્હાઇટ ફંગસના ખતરનાક કેસો પણ સામે આવતાં સરકાર અને તંત્રની સાથે સાથે નિષ્ણાતો પણ દોડતા થયા છે. બીજીબાજુ, મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે દવા અને ઇન્જેકશનની ભારે અછત વર્તાઇ રહી છે, જેના કારણે દર્દી અને તેના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરની એલજી હોસ્પિટલમાં તો, એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન ઉપલબ્ધ નહી હોવાના પાટિયા લાગ્યા હતા, જેને લઇ દર્દી તેમ જ તેમના પરિવારજનોએ આ ઇન્જેકશન મેળવવા માટે ભારે રઝળપાટ કરવી પડી રહી છે. બીજીબાજુ, સમગ્ર દેશની વાત કરીએ તો, દેશમાં મ્યુકોરમાઇકોસીસના સૌથી વધુ કેસ ગુજરાતમાં 2281 નોંધાયા છે, જેમાં અત્યારસુધીમાં 70થી વધુ દર્દીના મોત થઇ ચૂકયા છે. તેમાં પણ સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં 35થી વધુ દર્દીના નોંધાયા છે.
કેન્દ્ર સરકાર તરફથી મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટેરીસીન –બીના વધારાના 5800 ઇન્જેકશન ગુજરાત મોકલાયા છે. મ્યુકોરમાઇકોસીસને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, તેમણે એમ્ફોટેરીસીન-બી ઈન્જેક્શનની અછતને લઈ પીએમ મોદીને રજુઆત કરી હતી. પીએમ દ્વારા ગુજરાતને ઈન્જેક્શન ફાળવવાને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાને વાત કરાઈ હતી. તેથી ગઈકાલે જ 5800 ઇન્જેક્શનનો સ્ટોક ગુજરાતમાં પહોંચ્યો છે. તેથી કોઈને ઇન્જેક્શનની અછત નહિ થાય. જો કે, ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત છતાં હજુ અમદાવાદ શહેર સહિત રાજયના અન્ય શહેરોમાં આ ઇન્જેકશનની અછત વર્તાઇ રહી હોવાની વાત સામે આવી રહી છે.
રાજય સરકાર દ્વારા એક તરફ મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસની સારવાર માટે મહત્વના ઈંજેકશનની હજુ પણ અછત જોવા મળી રહી છે. બે દિવસ પહેલા જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો માટે સરકાર તરફથી 1200 ઇંજેક્શન ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પાંચ દિવસ ચાલે તેમે છે. કારણ કે હવે એલજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસીસની સારવાર શરૂ કરવામાં આવી છે. અહીં પણ 45થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમને રોજ આશરે 250 ઇંજેક્શન આપવામાં આવી રહ્યા છે.
સરકારી હોસ્પિટલના તબીબોનું માનીએ તો હાલની જરુરિયાત સામે માત્ર 10 ટકા જ ઇંજેક્શન ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસીસના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમને પણ ઇંજેક્શનના ફાંફાં મારવા પડે છે. આ પરિસ્થિતિ વચ્ચે, અમદાવાદની એલજી હોસ્પિટલમાં એમફોટેરિસીન ઈંજેક્શન નથી મળી રહ્યા. એલજી હોસ્પિટલમાં એમફોટેરિસીન-બી ઈંજેક્શનના સ્ટોક ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા હોઇ દર્દી અને તેમના પરિવારજનો આ ઇન્જેશન મેળવવા માટે રીતસરના વલખાં મારી રહ્યા છે. દર્દીના પરિવારજનોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી કે, છેલ્લા બે દિવસથી અમને એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન મળતા નથી. પહેલા તો, મેડિકલ સ્ટોરમાં પણ આ ઇન્જેકશન મળતા હતા પરંતુ હવે તો ત્યાંથી પણ મળતા નથી. તો, દર્દી તેમ જ તેમના પરિવારજનો આ ઇન્જેકશન લાવે કયાંથી..આમ, મ્યુકોરમાઇકોસીસના પૂરતા ઇન્જેકશન ઉપલબ્ધ બનાવવામાં આવશે તેવા સરકારના દાવા પોકળ સાબિત થયા હતા. બીજબાજુ, ગુજરાત કેમીસ્ટ એસોસીએશનના ચેરમેન જશુભાઇ પટેલે બહુ મહત્વપૂર્ણ વાત કરી કે, રાજયમાં મેડિકલ સ્ટોરમાં પણ એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન ઉપલબ્ધ નથી, દર્દી તેમ જ તેમના પરિવારજનોને જીએસટી બીલ સાથે જ આ ઇન્જેકશન ખરીદવા તેમણે અપીલ કરી હતી નહી તો, રેમડેસીવીર ઇન્જેકશનની જેમ આ ઇન્જેકશનની કાળાબજારીની પણ દહેશત તેમણે વ્યકત કરી હતી અને સાથે સાથે સરકારને એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન સરળતાથી મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ બનાવાય અને તેના મારફતે દર્દી તેમ જ તેમના પરિજનોને આ ઇન્જેકશન સુગમતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા કરવા મહત્વપૂર્ણ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આરોગ્ય વિભાગે SVP હોસ્પિટલના બદલે LG હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળવા અંગે જાહેરાત કરી હતી. મ્યુકરમાઇકોસીસના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેમના માટે LG અને સોલા સિવિલમાં ઈંજેક્શન માટે વ્યવસ્થા કરાઈ હતી. તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ અપૂરતો જથ્થો હોવાની વાત ખુદ અમ્યુકોના આરોગ્ય અધિકારી સ્વીકારી ચુક્યા છે. પરંતુ હવે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં પણ એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશનની અછત હોવાની અને દર્દીના પરિવારજનો તેના માટે રઝળપાટ કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે, જેને લઇ હવે સરકાર અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.