હાલ કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉનનું કોઈ આયોજન નથી., પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમીક્ષા કરાશે
ગુજરાતના ગામડાઓમાં ધાર્મિક મેળાવડા કે કાર્યક્રમો નહી યોજવા અને અંધશ્રધ્ધાથી દૂર રહેવા પણ મુખ્યમંત્રીની ભારપૂર્વકની અપીલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
ગુજરાતમાં હાલ લોકડાઉન લગાવવાનું કોઇ આયોજન નહી હોવાનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો સંકેત આજે ફરી એકવાર આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, હાલ રાજયમાં ધીરે ધીરે કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉનનું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યાના આધારે કરી રહ્યા છે. ગામડામાં આવેલા કોરોનાને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને, હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે. ગામમાં બધાનાં ટેસ્ટ કરવાનાં બદલે લક્ષણોવાળાનાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુમાં ઉમેર્યું કે, રાજય સરકારે ગુજરાતાં કોરોના વાયરસની ત્રીજી લહેરની તમામ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે ડોક્ટરો સાથે મીટીંગ કરીશું. આપણે 2.5 કરોડ વેક્સીન ડોઝ ઓડર આપ્યો છે. જે પ્રમાણે જથ્થો મળે છે તે પ્રમાણે આપણે વેકસીન આપીએ છીએ.15 મે સુધીમાં 11 લાખ જેટલા ડોઝ આપણી પાસે પહોંચી જશે. જેમ જેમ જથ્થો આવશે તેમ આપણે વેક્સીન આપીશું.
દરમ્યાન તાજેતરમાં નેધરાડ ગામે બળિયાબાપાના મંદિરે હજારો મહિલાઓ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ધાર્મિક વિધિના ભાગરૂપે એકત્ર થયા બાદ સામે આવેલા વિવાદ બાદ આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે પણ રાજયના ગામડાઓના તમામ ગ્રામજનોને હાલ કોરોનાની પરિસ્થિતિ ગંભીર રીતે વકરતી હોઇ ગામડાઓમાં કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડા કે કાર્યક્રમો નહી યોજવા અને અંધશ્રધ્ધાથી દૂર રહેવા પણ મુખ્યમંત્રીએ બહુ ભારપૂર્વકની અપીલ કરી હતી.
રાજયના તમામ ગામડાઓને કોઇપણ પ્રકારની અંધશ્રધ્ધાથી દૂર રહેવા તેમણે અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તાવ, શરદી, ઉધરસની અંધશ્રધ્ધાથી બીજા ઉપાયો ના કરે પરંતુ ગામડાઓમાં ઉભા કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ જ સારવાર લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામડાઓના લોકોને વિશેષ અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ કલોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરસોડિયા ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે ચર્ચા કરીને ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગામમાં આવેલો કોરોના ત્યાં જ અટકાવવો જરૂરી છે. ગામ સ્વચ્છ થશે તો ગુજરાતમાં બીજી લહેર પર વિજય મેળવી શકીશું. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે. એક્સપર્ટસ તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપર્ટસની મીટિંગ કરીશું. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. બીજી લહેર ખાળવી છે, અને ત્રીજી લહેરની તૈયારી. 12 દિવસથી કેસ ઓછા છે. પરંતુ રાજય સરકાર તમામ રીતે કોરોનાને હરાવવા સક્ષમ અને સતત પ્રયત્નશીલ છે.