કોરોનાના કપરા કાળમાં આરોગ્ય વિભાગનો બહુ મહત્વનો નિર્ણય – દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે પણ રાહતના સમાચાર
આ તમામ કાયમી ડોકટરોને સત્વરે નિમણુક અપાશે. જેના પરિણામે આરોગ્યલક્ષી સારવારમા વધારો થશે – તબીબી આલમમાં ખુશીની લાગણી પ્રસરી
ગાંધીનગર, તા.31
કોરોનાના કપરા કાળમાં ડોકટરો અને સ્ટાફની વર્તાયેલી અછતના મુદ્દાને રાજય સરકારે ભારે સંવેદનશીલતાથી લઇ આખરે તબીબી સ્ટાફની ભરતીનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે રાજયના જીપીએસસી પરીક્ષા પાસ કરેલ હોય તેવા 162 તબીબોને કાયમી ડોકટર તરીકે નિમણૂંક આપવાનો રાજય સરકાર દ્વારા આજે બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઇ તબીબી આલમમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાવા પામી છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયની રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ કે, રાજયના નાગરિકોને ઘર આંગણે જ સત્વરે અને સઘન આરોગ્ય સારવાર મળી રહે એ માટે જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક આપવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં G.P. S.C દ્વારા પસંદગી પામેલ ૧૬૨ એમ.બી.બી.એસ. ડોક્ટરોને આરોગ્ય વિભાગના કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક આપવા માટે મંજૂરી આપવામા આવી છે, જેઓને સત્વરે નિમણુક અપાશે. જેના પરિણામે આરોગ્યલક્ષી સારવારમા વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકારના આ નિર્ણયને પગલે રાજયના તબીબી સ્ટાફની સંખ્યામાં ઉમેરો ચોક્કસપણ થશે, જેને લઇ મેડિકલ સેવાઓ અને સારવારમાં ઉપયોગી મદદ મળી રહેશે. કોરોનાના કપરા કાળમાં એક તબક્કે દર્દીઓની સંખ્યા વધતાં ડોકટરો અને સ્ટાફની અછત વર્તાતી હતી પરંતુ ત્યારબાદ રાજય સરકાર દ્વારા કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સહિતના લેવાયેલા નક્કર પગલાના કારણે કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા હવે થોડી રાહત થવા પામી છે ત્યારે રાજય સરકાર દ્વારા આજે તબીબી સ્ટાફની ભરતી અને જીપીએસસી પાસ થયેલા 162 તબીબોને કાયમી ડોકટર તરીકે નિમણૂંક આપવાના મહત્વના નિર્ણયને પગલે રાજયની આરોગ્ય સેવા અને સારવારમાં નિશંકપણે ઉપયોગી મદદ પ્રાપ્ય બનશે. દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે પણ આ રાહતના સમાચાર કહી શકાય.