કોરોના મહામારીનાં કપરાં કાળમાં સરકારે તા.૩૦ જુનના બદલે ૩૦ ડિસેમ્બર સુધી ધિરાણ ભરવાની મુદ્દત વધારી આપવી જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ
કોરોના સંક્રમણ ખૂબ વધી જતાં તમામ માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાનો માલ વેચી શક્યા નથી એટલે પાક ધિરાણ ભરી શકાય એમ નહી હોઇ ખેડૂતોને રાહત આપવા કોંગ્રેસની માંગ
અમદાવાદ, તા.3
ગુજરાત રાજ્યમાં કોરોના કહેરના કારણે ભારે કફોડી હાલતમાં મુકાયેલા ખેડૂતોને કોઈ વ્યાજ કે રકમમાં માફી અથવા રાહત આપવાની નથી. ત્યારે પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત તા.૩૦ જુનના બદલે આગામી ૩૦ ડિસેમ્બર સુધી વધારી આપવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટલે માત્ર કો-ઓપરેટીવ બેંકોના બદલે તમામ રાષ્ટ્રીય બેંકોમાં પણ ખેડૂતોને આ લાભ આપવા રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂતપુત્ર ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ખેડૂતોની માંગ સ્વીકારતાં ખેડૂતો હવે જૂન સુધી ધિરાણ ભરી શકશે. ત્યારે રાજય સરકારે માત્ર કો ઓપરેટીવ બેંકોમાં જ ખેડૂતોને આ પાક ધિરાણ લોન ભરવાની મુદ્દત વધારી આપી છે. પરંતુ જે ખેડૂતોએ રાષ્ટ્રીય બેંકોમાંથી પાક ધિરાણ લીધું છે. તેમને કોરોના કાળની મહા આર્થિક તંગીમાં કોઈ જ લાભ થાય તેમ નથી. આથી કેન્દ્રમાં પણ ભાજપ સરકાર જ હોવાથી રાજય સરકાર દ્વારા માત્ર કો-ઓપરેટીવ બેંકોના બદલે તમામ રાષ્ટ્રીય બેંકોમાં પણ ખેડૂતોને આ લાભ આપવાની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ.
ડૉ. હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યું છે કે, કોરોના સંક્રમણ ખૂબ વધી જતાં તમામ માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાનો માલ વેચી શક્યા નથી એટલે પાક ધિરાણ ભરી શકાય એમ નહોતું. આ ઉપરાંત રવી પાકનું પણ યોગ્ય વાવેતર કરી શકાયું નહી હોવાથી ખાતર સહિતનાં ભાવવધારાનાં કારણે આવકની સામે ખર્ચ અનેકગણું વધી ગયું છે. જેનો ઉકેલ એક – બે મહિનામાં આવે તેમ નહીં હોવાથી પાક ધિરાણ ભરવાની મુદ્દત તમામ બેંકોમાં આગામી ૩૦ ડિસેમ્બર સુધી કરવી જોઇએ. આ બાબતે સંવેદનશીલ રહી ખેડૂતોની માંગ સંતોષી ખેડૂતોને રાહત અને ન્યાય આપવા ડૉ. હિમાંશુ પટેલે રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.
