પ. બંગાળમાં દીદીની વ્હિલચેર 20 રેલીઓ અને અમિત શાહની આખા વર્ષની મહેનત પર ભારે પડી, ટીએમસીને હરાવવામાં ભાજપ વામણું પુરવાર થયુ – બંગાળમાં ફરી એકવાર દીદીનું સત્તાનું શાસન સ્થપાશે
દીદીએ એકલાહાથે મોદી, અમિત શાહ અને આખી કેન્દ્રીય મશીનરી અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોને હંફાવ્યા અને બંગાળની ગાદી પર બેસવાની પોતાની તાકાત, વર્ચસ્વ અને નારી શકિતનો ફરી એકવાર પરિચય કરાવ્યો
પશ્ચિમ બંગાળના પરિણામો પરથી આજે પણ દીદીનું જ વર્ચસ્વ અને પ્રભાવ બંગાળ પર છે તે સાબિત થઇ ગયુ – શિવસેના પ્રવકતા સંજય રાઉત
એકઝીટ પોલ અને ભલભલા રાજકીય વિશ્લેષકો અને નિષ્ણાતોના દાવાઓ ખોટા પાડી દીદીએ ફરી એકવાર પોતાનું બહુ ઉંચુ રાજકીય કદ સાબિત કરી દીધુ – દીદીના ચંડીપાઠ, દુર્ગાપૂજા બંગાળના પરિણામ માટે ટીએમસીને ફળ્યા તો, ભાજપને નડયા
અમદાવાદ, તા.2
પશ્ચિમ બંગાળના પરિણામોએ સમગ્ર દેશમાં જ નહી પરંત દુનિયામાં પણ ભારે ચર્ચા જગાવી છે અને ખાસ કરીને મમતા બેનરજીએ પોતાની દ્રઢ રાજકીય ઇચ્છાશકિત, મક્કમ મનોબળ અને જબરદસ્ત આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો છે. દીદીએ એકલાહાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આખી કેન્દ્રીય મશીનરી અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોને હંફાવ્યા અને બંગાળની ગાદી પર બેસવાની પોતાની તાકાત અને શકિતનો ફરી એકવાર પરિચય કરાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સત્તા મેળવવાની હેટ્રિક તરફ જઈ રહ્યા છે. મમતા બેનરજીની પાર્ટી હાલમાં 200 કરતા વધારે બેઠકો પર આગળ છે. બંગાળમાં મમતા બેનરજીની વ્હીલચેર પીએમ મોદીની 20 રેલીઓ અને અમિત શાહની આખા વર્ષની મહેનત પર જબરદસ્ત ભારે પડી હોય તેવું પરિણામોના ચિત્ર પરથી સ્પષ્ટ થયુ છે. જો કે, સાથે સાથે મમતા બેનરજીની વ્યૂહરચના અને બંંગાળની ગાદી પર કોણ બેસશે…બંગાળની પુત્રી કે બહારનું કોઇ વ્યકિત એ મતલબના તેણીએ ઉઠાવેલા સવાલના જવાબમાં પણ બંગાળની જનતાએ જબરદસ્ત સહાનુભૂતિ સાથે બંગાળની પુત્રીને જ ફરી એકવાર સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યુ. દીદીનો આ માસ્ટરસ્ટ્રોક બહુ જોરદાર, અસરકારક અને પરિણામલક્ષી સાબિત થયો તો, આ માસ્ટરસ્ટ્રોક મોદી, અમિત શાહ અને ભાજપ માટે બહુ ઘાતક અને પછડાટ સમાન સાબિત થયો, જેના કારણે ભાજપની ખાસ કરીને મોદી અને અમિત શાહની શાખ પર કુઠારાઘાત થયો હોય એવું પણ સામે આવી રહ્યું છે. કારણ કે, બંગાળને લઇ ભાજપના સપના ચકનાચૂર થયા છે.
ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીને ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં થયેલી ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ પછી પગમાં પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર બેસીને મમતાએ મોટાભાગનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. પગમાં ઇજા છતાં વ્હીલચેર સાથે મમતા બેનરજી ઘરમાં બેસી ના રહ્યા પરંતુ તેઓ લોકોની વચ્ચે ગયા અને બંગાળની જનતાને ગુહાર લગાવી કે, તમે મને સાથ આપો, આપણે બંગાળને જીતાડવાનું છે, બંગાળને બચાવવાનું છે. તેમના પ્રત્યેની લોકલાગણી પરથી સ્પષ્ટ થયુ છે કે, મમતા બેનરજીને લોકોની જબરદસ્ત સહાનૂભુતિ મળી છે.
ડોકટરોએ તો તેમને પગમાં પ્લાસ્ટર હોવાથી આરામની સલાહ આપી હતી પણ મમતા બેનરજીએ રેલીઓ અને સભાઓ ગજવવાનું ચાલું રાખ્યુ હતું. આ દરમિયાન તેઓ વ્હીલચેરમાં બેસીને જ લોકોને સંબોધન કરતા નજરે પડ્યા હતા. બંગાળમાં પણ ટીએમસીના ચૂંટણી પ્રચારમાં ઠેર ઠેર મમતા બેનરજીના વ્હીલચેર પર બેઠેલા પોસ્ટરો જ જોવા મળી રહ્યા હતા. ભાજપે તો મમતા બેનરજીના વ્હીલચેર પર સભા સંબોધવાને નાટક ગણાવ્યું હતું, કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, મમતાએ ટીએમસીની હાર સામે જોઈને આ પ્રકારનુ નાટક રચ્યું છે. આ બધુ સહાનૂભૂતિ મેળવવા માટે છે. જોકે મમતા બેનરજી અડગ રહ્યા હતા અને એવુ લાગે છે કે, તેઓ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરુઆતમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ 200થી વધુ બેઠકો પર સ્પષ્ટ બહુમતી તરફ છે અને ભાજપની લીડ 85 કરતા ઓછી બેઠક પર રહી ગઈ છે.
આ સ્થિતિમાં હવે મમતા બેનરજીના કેમ્પેઈન મેનેજર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. પ્રશાંત કિશોરે અગાઉ પણ કહ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી બનાવવાનુ મારુ કામ છોડી દઈશ.એટલુ જ નહી તેમણે એમ પણ કહ્યુ હતુ કે, મારું ટ્વિટ તમે સેવ કરીને રાખો. આજે પણ તેમના એકાઉન્ટ પર આ ટ્વિટ છે અને તેમણે ફરી પણ કહ્યુ હતુ કે, જો ભાજપે ડબલ ડિજિટથી આગળ બેઠકો મેળવી તો હું ચોક્કસ બંગાળ છોડી દઈશ. દરમિયાન એક્ઝિટ પોલમાં પણ ભાજપને 100 કરતા વધારે બેઠકો મળશે તેવી આગાહી તો થઈ જ હતી. જોકે હવે તમામ એક્ઝીટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા છે. બપોર સુધીની મતગણતરી પ્રમાણે તો ભાજપને 85 કરતા નીચે બેઠકો મળી રહી છે. આ સંજોગોમાં પ્રશાંત કિશોરનો દાવો સાચો પડતો દેખાઈ રહ્યો છે. બીજીબાજુ, ભાજપને લઇ જે કહેવાતા રાજકીય વિશ્લેષકો અને નિષ્ણાતો ભાજપની જીતના મોટા મોટા દાવાઓ કરતાં હતા, તેઓના દાવા ઉઁધા માથે પછડાયા છે અને મમતા બેનરજીએ ફરી એકવાર પોતાનું બહુ ઉંચુ રાજકીય કદ સાબિત કરી દીધુ છે.