દર્દીને સીટી સ્કેન, લોહીની તપાસ, ડાયાલિસિસ અને એક્સ-રે જેવી તમામ સુવિધાઓ એક જ સ્થળે વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે
દર્દી અને સ્વજનને જોડતી વીડિયો ચેટ સેવા – ‘કોવીડ સાથી ’નો શુભારંભ કરાયો-, તંત્ર દ્વારા વધુ સઘન અને અસરકારક સારવાર માટેના પ્રયાસો યુધ્ધના ધોરણે શરૂ, લોકો માટે મોટી રાહતની વાત
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.1
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં હવે ૫૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૯૨થી જેટલા દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈ.સી.યુ)માં છે. આજે (૧ મે, ૨૦૨૧) વધુ ૯૬ દર્દીઓને પ્રવેશ આપી તેમની સારવાર શરુ કરવામાં આવી હતી. આમ, ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે દર્દીઓને દાખલ કરીને સર્વોત્તમ સારવાર આપવામાં આવી રહી છે.
ધન્વન્તરી કોવીડ હોસ્પિલ તેની પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થાય તે દિશામાં સુનિયોજિત પ્રયાસો હાથ ધરાયા છે અને હોસ્પિટલમા(ઈનહાઉસ) જ સીટી સ્કેન, લોહીની તપાસ(બ્લડ ઈન્વેસ્ટીગેશન), એક્સ-રે, ડાયાલિસિસ જેવી તમામ સુવિધાઓ નાગરિકને એક જ સ્થળેથી વિના મૂલ્યે પ્રાપ્ત થઈ રહી છે. આમ, અનેક દર્દીઓના સ્વજનોએ આ ઉત્તમ સુવિધા પ્રાપ્ત થતા હાશકારો અનુભવ્યો છે.
આ ઉપરાંત દર્દીના સ્વજનમાં રહેતી ઉચાટની લાગણી દુર થાય અને તેમને દર્દીના સ્વાસ્થ્ય અંગે સાંત્વના મળે તે હેતુથી આજથી ‘’કોવીડ-સાથી’’ની મદદથી દર્દી અને તેમના સ્વજનની વચ્ચે વીડિયોકોલ દ્વારા વાતચીત કરાવવાની સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્યની સ્થિતિના આધારે પ્રવેશ માટેની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. કોવીડ પોઝીટીવ રિપોર્ટ ધરાવતા અને ૯૨ થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને જ પ્રવેશ અપાય છે.
નોંધપાત્ર બાબત એ છે કે ધન્વન્તરી હોસ્પિટલમાં દર્દીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે સંરક્ષણક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના પ્રોટોકોલ નિર્ધારીત કરાયા છે, જેનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે.