જામનગરના આર્મી સ્ટેશનથી આર્મીની 12 ટુકડી પોરબંદર-દીવ જવા રવાના – વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ
ભારત સરકાર તરફથી તમામ મદદની ખાતરી અપાઇ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને તમામ મદદની હૈયાધારણ આપી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.17
હવામાન વિભાગ દ્વારા મહાખતરા સમાન ગણાવાયેલ તૌક્તે વાવાઝોડુ હવે ગુજરાતથી વધારે નજીક આવ્યું છે. તૌક્તે વાવાઝોડુ સંઘ પ્રદેશ દીવથી માત્ર 90 કિમી દૂર છે. વાવાઝોડૂ નજીક આવતા જ કાંઠા વિસ્તારમાં ભારે અને તોફાની પવન ફૂકાવાનું શરૂ થઇ ગયુ છે. દિવ, વેરાવળ, મહુવા અને ઘોઘાના દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે. તૌક્તે વાવાઝોડું નજીક પહોંચતા જ દીવનો દરિયો પણ જબરદસ્ત તોફાની બન્યો છે. દીવના દરિયામાં કરંટ વધતા ત્રણ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. બીજીબાજુ, તૌકતે વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી હવે મેદાનમાં ઉતરી આવી છે. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે. આ આર્મીની ટુકડીઓની ટીમ પોરબંદર અને દિવ ખાતે રાહત અને કામગીરીમાં જોતરાશે.
ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની ટકરાવવાની સંભાવનાને પગલે મહત્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અને, આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે. તૌકતે વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. તૌકતે વાવાઝોડોના કારણે પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ 5 જિલ્લામાં સૌથી વધુ અસર અને નુકસાનીની સંભાવના વ્યકત કરાઇ છે, તેથી તેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની ટીમો દ્વારા પૂરતી અને તાકીદની વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર તંત્ર આ જિલ્લામાં હાઇએલર્ટ પર છે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.
બીજીબાજુ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રે 8 થી 11 ની વચ્ચે વાવાઝોડું દિવ નજીક ટકરાશે. જેથી મોટું નુકસાન થવાનો પણ અંદાજ સેવવામાં આવ્યો છે. આ સમયે ઇન્ડિયન આર્મીની બચાવ ટુકડીની મદદથી બચાવ કામગીરી ઝડપી બની શકશે. તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કાંઠે 3 થી 4 મીટરના મોજા ઉછળશે. જ્યારથી હવામાન ખાતાની આગાહી થઈ ત્યારથી ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે તૈયારીઓ કરી દેવાઈ છે. ભારત સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. દરેક પ્રભારી જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવો એડી.ડાયરેકટર ઓફ પોલીસ હાજર રહી માર્ગદર્શન આપી રહ્યા છે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં ટાઉતે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી છે. વડાપ્રધાને ગુજરાતને આ તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી છે.