સંભવતઃ તા.18 મેના સાંજે વાવાઝોડું ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ટકરાવાની શરૂઆત થાય તેમ છે. તા.19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની સંભાવના
તા.18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના જારી કરાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.13
રાજયમાં એકબાજુ, કોરોના મહામારીનો કહેર પ્રવર્તી રહ્યો છે તો, બીજીબાજુ, બહુ ખતરનાક એવો મ્યુકોરમાઇકોસીસ બિમારીએ પણ લોકોને ગંભીર રીતે ભરડામાં લીધા છે ત્યારે હવે ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્રાટકવાની દહેશતને લઇ સરકાર અને તંત્ર દોડતા થયા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય થયું છે. જે આવતીકાલે તા.14મી મેના રોજ વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવાનું હળવું દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તા.16મી મે સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે. અને ઉતર ઉતર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જો કે હાલની ગતીવિધીના આધારે આ વાવાઝોડુ, ગોવા, મહારાષ્ટ્રની નજીકથી પસાર થઈને, ગુજરાત તરફ આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને આ વાવાઝોડુ ટકરાવાની દહેશત વ્યકત થઇ રહી છે, જેને લઇ રાજય સરકાર અને સ્થાનિક તંત્ર પણ જબરદસ્ત એલર્ટ પર છે.
તા.18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારા નજીક વાવઝોડું પહોંચશે. જેથી તા.18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંભવતઃ તા.18 મેના સાંજે વાવાઝોડું ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ટકરાવાની શરૂઆત થાય તેમ છે. તા.19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઇ કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી ગુજરાતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તા.18 તારીખે પવનની ગતિ 60 થી 70 કિમિ પ્રતિ કલાકની રહેવાની પણ શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં થઈ રહેલા વાતાવરણીય ફેરફારને કારણે, આગામી 24 કલાકમાં હવાનુ હળવુ દબાણ સર્જાશે. હવાનુ હળવું દબાણ સર્જાઈ ગયા બાદના 24 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તીત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના કહેવા મુજબ, હવાનું હળવું દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તા.16મી મે સુધીમાં વાવાઝોડામાં ફરેવાશે. અને ઉતર ઉતર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જો કે હાલની ગતીવિધીના આધારે આ વાવાઝોડુ, ગોવા, મહારાષ્ટ્રની નજીકથી પસાર થઈને, ગુજરાત તરફ આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. જે મોટાભાગે પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં અસર વર્તાવશે.
દરમ્યાન રાજયના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીના પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકીદ કરી દેવાઇ છે. તૌકતે વાવાઝોડાની આગાહીને ગુજરાતનું તંત્ર હરકતમાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર દ્વારા વાવાઝોડા સામે લડવાના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેથી વાવાઝોડાની દરેક પળના અપડેટ મળી શકે. દરિયાકાંઠે લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ માટે દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરાશે. સાથે જ સ્થાનિક લોકોને સમયાંતરે વાવાઝોડા વિશે સૂચના આપવામાં આવશે. આમ, તૌકતે વાવાઝોડાને લઇ સરકાર અને તંત્ર પણ હાલ એલર્ટ પર આવી ગયુ છે.