અમદાવાદના નગરજનોને સાવધ અને સાબદા રહેવા તંત્રની અપીલ – જરૂર વગર ઘરની બહાર નહી નીકળવા અનુરોધ
તૌકતે વાવાઝોડાએ સ્માર્ટ સીટી અમદાવાદને જોરદાર રીતે ઘમરોળી નાંખ્યુ – અમદાવાદમાં તોફાની પવન સાથે ઝંઝાવાતી ધોધમાર વરસાદ, શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં જળબંબાકાર
અમદાવાદમાં 100થી વધુ વૃક્ષો ધરાશયી, અનેક વીજપોલ અને થાંભલા પણ ધરાશયી, ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો જમીનદોસ્ત, મકાનોના છાપરા, હોર્ડિંગ્સ, બોર્ડ પવનના ઝંઝાવતમાં ઉડયા
અમદાવાદમાં 60 કિમીથી વધુની ઝડપે તોફાની પવન ફુંકાતા સામાન્ય જનજીવન તહેસનહેસ થયુ – ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.18
તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં જબરદસ્ત તોફાની પવન અને સાંબેલાધાર વરસાદ સાથે ભારે વિનાશ અને તારાજી સર્જયા બાદ આજે બપોરે 3-30 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ તેની દિશા બદલી હતી અને તે અમદાવાદ શહેરમાંથી પસાર થવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે. વાવાઝોડું અમદાવાદ શહેરમાં પ્રવેશવાની દહેશતને લઇ લોકોમાં ભારે દહેશત અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, તૌકતે વાવાઝોડુ અમદાવાદ શહેરમાં પ્રવેશે તે પહેલાં જ તેની અસરો અમદાવાદ શહેરમાં વર્તાઇ ગઇ હતી. અમદાવાદ શહેરમાં 60 કિમીથી વધુની ઝડપે જોરદાર તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઇ ગયુ હતું. અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાની અસરરૂપે ફંકાયેલા જોરદાર તોફાની પવન અને જબરદસ્ત વરસાદના કારણે શહેરમાં 100થી વધુ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા તો, અનેક વીજપોલ, થાંભલા પણ ધરાશયી થઇ ગયા હતા. તો, ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો જમીનદોસ્ત થઇ ગયા હતા, સાથે સાથે છાપરા, હોર્ડિંગ્સ વગેરે તોફાની પવનના ઝંઝાવતા દૂર દૂર સુધી ઉડી ગયા હતા. અમદાવાદ શહેરમાં બપોર સુધીમાં જ પોણા ત્રણથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકયો હતો અને અમદાવાદ શહેરમાંથી તૌકતે વાવાઝોડુ પસાર થવાની શકયતાને લઇ હવામાન વિભાગે મોડી સાંજે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યકત કરી છે. બીજીબીજુ, તંત્ર દ્વારા અમદાવાદ શહેરના નગરજનોને જરૂર વિના ઘરની બહાર નહી નીકળવા અને વાવાઝોડાને લઇ સાવધ અને સાબદાં રહેવા જાહેર અપીલ કરાઇ છે.
હવામાન વિભાગના નિષ્ણાતો અને તંત્રના અધિકારી દ્વારા વ્યકત કરાયેલ શકયતા મુજબ, પહેલા તૌકતે વાવાઝોડુ અમદાવાદ નજીકથી પસાર થવાનું હતુ પરંતુ બપોરે 3-30 વાગ્યાની આસપાસ વાવાઝોડાએ પોતાની દિશા બદલી હતી અને સાંજ સુધીમાં તે અમદાવાદ શહેરમાંથી પસાર થાય તેવી પણ એક શકયતા વર્તાઇ રહી છે, જેને લઇ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને સરકારી તંત્ર હાઇએલર્ટ મોડ પર આવી ગયા હતા. બીજબાજુ, એનડીઆરએફની બેથી ત્રણ ટીમો પણ તૈનાત રખાઇ હતી કે જેથી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળાય.
તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદ શહેરમાં ગઇકાલ સાંજથી જ ઝરમર ઝરમર અને કયારેક ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઇ ગયુ હતુ, જે આજે સવારથી પણ ચાલુ રહ્યો છે પરંતુ આજે વરસાદનું જોર વધ્યું હતું. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતો રહ્યો હતો, ખાસ કરીને બપોરે ત્રણ વાગ્યાથી જ અમદાવાદ શહેરમાં જબરદસ્ત તોફાની પવન સાથે ઝંઝાવાતી વરસાદ વરસવાનું શરૂ થયુ હતુ, જેના કારણે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે જ અમદાવાદ શહેર ભરઉનાળે જાણે ચોમાસાની જેમ જળબંબાકારમય બન્યું હતું. શહેરના સેટેલાઇટ, ગુરૂકુળ, મેમનગર, ઘાટલોડિયા, નારણપુરા, વાડજ, આશ્રમરોડ, પાલડી, વાસણા, વેજલપુર, જોધપુર, શ્યામલ, શિવરંજની, પ્રહલાદનગર, એસજી હાઇવે, બોપલ, શીલજ, રાંચરડા, શેલા, સહિતના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો, ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયુ હતું. મીઠાખળી અંડરપાસ અને અખબારનગર અંડરપાસ સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરીકેડ લગાવીને બંધ કરાયા હતા. તો, પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, ખોખરા હાઉસીંગ બોર્ડ, બાપુનગર, ઔઢવ, વિરાટનગર, નરોડા, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં તો, બેથી ચાર-પાંચ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા.
તૌકતી વાવાઝોડાની અસરના કારણે અમદાવાદ શહેરમાં કેટલાય હોર્ડિંગ્સ ઉડીને દૂર ફંગોળાઇ ગયા હતા. આશરે 100થી વધુ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા તો, અનેક વીજપોલ, થાંભલા પણ પડી ગયા હતા. કેટલાક ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયુ હતુ. તો કાચા-પાકા મકાનોને પણ વત્તાઔછા અંશે અસર થઇ હતી, કેટલાક કાચા મકાનો કે ઝુંપડાના છાપરા પવનના ઝંઝાવાતમાં જોરદાર રીતે ફંગોળાઇને ઉડી ગયા હતા. શહેરના કેટલાય વિસ્તારમાં કોવીડ ટેસ્ટ માટે ઉભા કરાયેલા ડોમ પણ તોફાની પવનમાં ધરાશયી થયા હતા. શહેરના ઘણા વિસ્તારોમાં નગરજનોને કંઇક અંશે નુકસાની અને તારાજીનો ભોગ બનવુ પડયુ હતું. દરમ્યાન તૌકતે વાવાઝોડાની ગંભીર અસર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. અમદાવાદ જિલ્લામાંથી વહીવટી તંત્ર દ્વારા પાંચ હજારથી વધુ લોકોનું સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરાવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં પણ તોફાની પવન અને ઝંઝાવાતી વરસાદના કારણે ભારે નુકસાન અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. તૌકતે વાવાઝોડાને લઇ અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ નુકસાની અને તારાજીનો અંદાજ મેળવવામાં તંત્રને પણ ભારે જહેમત ઉઠાવવી પડે તેવી સ્થિતિ બની રહી છે.