હનીટ્રેપ ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ બાદ ક્રાઇમબ્રાંચની તપાસમાં મહિલા પીઆઇ પઠાણની સંડોવણી સામે આવતાં ક્રાઇમબ્રાંચે તેમને પણ સકંજામાં લીધા
મહિલા પીઆઇ પઠાણ વિરૂધ્ધ હનીટ્રેપ ગેંગના સાગરિતોને મદદ કરતાં હોવાનો ગંભીર આરોપ – ક્રાઇમબ્રાંચે હવે આ મહિલા પીઆઇએ હનીટ્રેપ ગેંગના માધ્યમથી અત્યારસુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા અને કેટલી રકમનો તોડ કર્યો તે સહિતની બાબતમાં સઘન તપાસ શરૂ કરી
અમદાવાદ,તા.13
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી કાર્યવાહી કરી છે અને તત્કાલીન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી લેતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા અને જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
તાજેતરમાં જ અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ ગેંગમાં બરતરફ પોલીસ કર્મચારી અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે, આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ મનાય છે અને ઉન્નતિ રાજપૂત છે. આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.
સમગ્ર મામલાની પ્રાપ્ત વિગતો મુજબ, હનીટ્રેપ ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યારબાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.
આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે, આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઉપરોકત ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલાની તપાસમાં કરતાં તેમાં ચોંકાવનારી રીતે મહિલા પીઆઈ ગીતા પઠાણની સંડોવણી સામે આવતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ આજે આ મહિલા પીઆઇની પણ વિધિવત્ ધરપકડ કરી લીધી હતી. પોલીસ હવે હનીટ્રેપ ગેંગના માધ્યમથી મહિલા પીઆઇ પઠાણે પણ અત્યારસુધીમાં કેટલી રકમનો તોડ કર્યો અને તેણીની સાથે અન્ય કોઇ પોલીસ કર્ કર્મચારી કે અધિકારી સંડોવાયેલા તો નથીને તે સહિતના મુદ્દાઓ પર આગળની તપાસ શરૂ કરી છે.