અમદાવાદના યુવાનોએ રેશન કીટ્સ, સેનિટાઇઝર્સ અને માસ્કનું વિતરણ કર્યું – સમાજ અને સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ ઘટના
શહેરના યુવાનો જેહન અને રોહને ઉમદા કામગીરી થકી માનવતા મહેંકાવી, અન્ય લોકોને પણ તેમણે અપીલ કરી
અમદાવાદ, તા.1
સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે દૈનિક વેતન ઉપર કામ કરતાં શ્રમિકોને મદદની ખૂબજ જરૂર છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતાં અમદાવાદ શહેરના યુવાનો આગળ આવીને લોકોને મદદરૂપ બની રહ્યાં છે. જેહન દલાલે તેમના મિત્ર રોહન સાથે મળીને મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો વચ્ચે રેશન કીટ્સ, માસ્ક અને સેનિટાઇઝર્સનું વિતરણ કરીને કોવિડ-19 સામેની લડાઇમાં યોગદાન આપ્યું છે. તેમની ઉમદા પહેલ અંતર્ગત શહેરના સરખેજ વિસ્તારમાં સરખેજ બજારમાં રહેતાં લોકોને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત કોવિડ મહામારી વચ્ચે પોતાની જવાબદારી નિભાવી રહેલાં પોલીસ અને કોન્સ્ટેબલ્સ વચ્ચે છાશનું પણ વિતરણ કર્યું હતું. સરખેજ વિસ્તારમાં જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓની ઓળખ કરવામાં તેમને કોર્પોરેટ જયેશ ત્રિવેદીએ સહકાર આપ્યો હતો તેમજ કીટ્સના વિતરણમાં પણ મદદ કરી હતી.
આ ઉમદા કામગીરી અંગે પ્રતિક્રિયા આપતાં જેહન દલાલે જણાવ્યું હતું કે, “આપણે સૌ મૂશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છીએ. અમે જરૂરિયાતમંદ લોકોને અમારાથી શક્ય તેટલી મદદ કરવા ઇચ્છતા હતાં અને તેથી જ આવશ્યક ચીજવસ્તુઓ ધરાવતી કીટ્સના વિતરણનો નિર્ણય કર્યો. હું શહેરના યુવાનોને સંદેશ આપવા માગું છું કે જો તમે હાલના મૂશ્કેલ સમયમાં કોઇને મદદરૂપ બની શકો તો કૃપા કરીને મદદનો હાથ લંબાવો. અમદાવાદના આ યુવાનોની પહેલ અને સામાજિક ઋણ અદા કરવાની ભાવના સાચે જ સમાજ અને સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.