ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વકીલોના હિતમાં બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
કોરોનાથી મૃત્યુ પામનાર 19 વકીલોના વારસોની અરજીઓ ધ્યાને લઇ તેઓને તાત્કાલિક એક-એક લાખ રૂપિયા એટલે કે, કુલ રૂ.19 લાખ ચૂકવવાનો નિર્ણય
જયારે 460 જેટલા વકીલો કે જેઓને માંદગી સહાયની રકમ તરીકે કુલ રૂ.65 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.7
ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં વકીલઆલમ પણ બહુ ખરાબ રીતે ભોગ બની રહ્યો છે અને કોર્ટો બંધ રહેવાના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી જિલ્લા-તાલુકા કક્ષાના વકીલો કફોડી હાલતમાં મૂકાયા છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર તેમ જ સારવાર લેનાર વકીલોને આર્થિક સહાય પૂરી પાડવાને બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમન હીરાભઆઇ એસ.પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ એસ.ગોહિલ, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને એડમીનીસ્ટ્રેટીવ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા રૂલ-40 કમીટીના ચેરમેન દિલીપ કે.પટેલ, સભ્ય દિપેન દવે, કરણસિંહ બી.વાર્ઘેલાની સંયુકત વર્ચ્યુઅલ મીટીંગ યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર કાયમી ધારાશાસ્ત્રીઓના વારસોને તાત્કાલિક રૂપિયા એક લાખ ચૂકવવાનો તેમ જ કોરોના મહામારીમાં સપડાનાર વકીલોને હોસ્પિટલ તથા હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હોય તેવા કિસ્સામાં ધારાશાસ્ત્રીઓને મેડિકલ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા હોય તેવા વકીલોના વારસદારોને અને હોમ કવોરન્ટાઇન કે હોસ્પિટલમાં સારવાર લેનારા વકીલોને કુલ મળી રૂ.79 લાખની આર્થિક સહાય ચૂકવવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ.સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, અગાઉ કોરોનાના કપરા કાળમાં ભોગ બનેલા 710 જેટલા વકીલોને ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા કુલ રૂ.90 લાખ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ કોરોનાની વકરેલી પરિસ્થિતિમાં વધુ ભોગ બનેલા અને મૃત્યુ પામેલા વકીલોના પરિવારજનો કે આશ્રિતો દ્વારા ઇમેલ દ્વારા ગુજરાત બાર કાઉન્સીલને 19 અરજીઓ મળી હતી. ઉપરાંત, કોરોનાની સારવાર લેનાર વકીલોની પણ 460 જેટલી અરજીઓ બાર કાઉન્સીલને મળી હતી, જે આજની વર્ચ્યુઅલ બેઠકમાં હાથ પર લેવાઇ હતી. જેની પર પુખ્ત વિચારણાના અંતે કોરોનાથી મૃત્યુ પામનાર 19 વકીલોના વારસોની અરજીઓ ધ્યાને લઇ તેઓને તાત્કાલિક એક-એક લાખ રૂપિયા એટલે કે, કુલ રૂ.19 લાખ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.
એડમીનીસ્ટ્રેટીવ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યુ કે, રાજયના વિવિધ જિલ્લા-તાલુકાના 460 જેટલા વકીલો કે જેઓને માંદગી સહાયની રકમ તરીકે કુલ રૂ.65 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો, 120 જેટલા વકીલો કે જેઓએ કોરોનાની સારવાર હોસ્પિટલમાં લીધી હોય કે હોમ કવોરન્ટાઇન દરમ્યાન લીધી હોય તેઓને મેડિકલ બીલે રજૂ કર્યા હોય તેવા કિસ્સામાં રૂ.30 હજાર સુધીની સહાય ચૂકવવાનો નિર્ણય પણ કરાયો હતો. જે વકીલો મેડિકલ બીલ રજૂ ના કરી શકયા હોય તેઓને રૂ.10 હજારની સહાય ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું હતું. આમ, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ગુજરાતના 1170 જેટલા વકીલોને રૂ.એક કરોડ, પચાસ લાખ જેટલી રકમ કોરોના મહામારીમાં ભોગ બનેલા વકીલોને માંદગી સહાય ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.