સાબરમતી, અસારવા અને ગાંધીધામ ખાતે 20-20 આઇસોલેશન કોચ તૈયાર રખાયા
યોગી એક્સપ્રેસ સહિતની વિવિધ ટ્રેનોમાં બહારના રાજયો કે પરપ્રાંતમાંથી આવતા મુસાફરોને ચેકીંગ બાદ કોરોના પોઝિટિવ પરીક્ષણ આવે તો તરત જ આઇસોલેશન કોચમાં રાખવાની રેલ્વે તંત્રની વ્યવસ્થા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની વકરતી જતી ગંભીર અને ભયાનક પરિસ્થિતિને જોતાં હવે રેલ્વે તંત્ર દ્વારા પણ કોરોના પોઝિટિવ દર્દીઓની ત્વરિત અને અસરકારક સારવાર માટે નવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે અને તેના ભાગરૂપે ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે અને તેમને આઇસોલેશનમાં રાખવા માટે સાબરમતી, ગાંધીધામ અને અસારવા ખાતે ડીઆરએમ ઓફિસની પાછળ 20-20 આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જરૂરી તમામ સાધન-સુવિધા ઉપરાંત મેડિકલ સ્ટાફ અને કર્મચારીઓને પણ તૈનાત રખાયા છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવીઝનના કોચીંગ ડેપો ઓફિસર આર.એસ.ગુપ્તાએ ભારત મીરર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારના નિર્દેશાનુસાર રેલ્વે તંત્ર દ્વારા પણ કોરોનાના કપરા કાળમાં કોરોના પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક સારવાર અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે વિશેષ પ્રકારે અલગ-અલગ આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે. યોગી એકસપ્રેસ સહિતની વિવિધ ટ્રેનોમાં બહારના રાજયો કે પરપ્રાંતમાંથી આવતા મુસાફરોને ચેકીંગ બાદ કોરોના પોઝિટિવ પરીક્ષણ આવે તો તરત જ આઇસોલેશન કોચમાં રાખવાની પૂરતી વ્યવસ્થા તૈયાર રખાઇ છે. કોચીંગ ડેપો ઓફિસર આર.એસ.ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે, હાલ અમદાવાદના સાબરમતી ખાતે 20 કોચ, અસારવાર ડીઆરએમ ઓફિસની પાછળના ભાગમાં 20 કોચ અને એટલા જ કોચ ગાંધીધામ ખાતે તૈયાર રાખવામાં આવ્યા છે. જરૂર પડયે ઇમરજન્સીમાં સરકારની સૂચનાના આધારે તાત્કાલિક ધોરણે આ આઇસોલેશન કોચ ઉપયોગમાં લઇ શકાશે અને કોરોના પોઝિટિવ દર્દીઓની અસરકારક અને ત્વરિત સારવાર શકય બનાવાશે.
તેમણે આઇસોલેશન કોચમાં તૈયાર કરાયેલી સાધન-સુવિધા અંગે જણાવતાં કહ્યુ કે, આઇસોલેશન કોચમાં પ્લાસ્ટિક બકેટ, પ્લાસ્ટીક સ્ટુલ, બાથરૂમમાં ટોવેલ હોલ્ડર, સોપ ડિસ્પેન્સર, ટેપ, બોટલ હોલ્ડર, કોટ હુક, નાયલોન મોસ્કીટો નેટ, ફુટ ઓપરેટેડ ડસ્ટબીન, ફર્સ્ટ કેબીન ઓક્સિજન સિલિન્ડર, લેવેટોરી ડસ્ટબીન સહિતની સાધન-સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે, જેથી કોરોના દર્દીઓ તેનો અલગથી અને પોતાની રીતે ઉપયોગ કરી શકે. આ સિવાય સરકાર દ્વારા ફાળવાયેલ મેડિકલ સ્ટાફ, કર્મચારીઓ અને તંત્રના માણસો પણ કોરોના દર્દીઓની સેવામાં તૈનાત રહેશે. આ તમામ કોચમાં મળી કુલ 400થી વધુ દર્દીઓને ઓકિસજન, મેડિકલી ઇક્વીપ્ડ સહિતની સઘન અને અસરકારક સારવાર પૂરી પાડી શકાશે એમ પણ કોચીંગ ડેપો ઓફિસર આર.એસ.ગુપ્તાએ ઉમેર્યું હતું.