રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીથી લઇ કોંગ્રેસના અનેક નેતાઓ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી
સ્વ.સાતવજીની તેઓના વતન હિંગોલી (મહારાષ્ટ્ર) ખાતે તા.17મી મેએ અંતિમ વિધિ યોજાશેઃ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિતના મહાનુભાવો હાજરી આપશે
અમદાવાદ,તા.16
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું દુખદ નિધન થતાં કોંગ્રેસ પક્ષમાં ઘેરા શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. થોડા દિવસ પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાદમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પુણેની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીવ સાતવના અવસાનની જાણકારી આપી હતી. તેઓ છેલ્લા ઘણાં સમયથી ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી હતા. તેમણે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે ઘણું કામ કર્યું છે. આવતીકાલે તા.17/05/21 ના રોજ સ્વ. સાતવની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી આવતી કાલે 17/05/21 સવારે ૧૦:૩૦ વાગે સ્વ.સાતવજીની તેઓના વતન હિંગોલી (મહારાષ્ટ્ર) ખાતે અંતિમ વિધિમાં હાજરી આપી શ્રદ્ધાજંલી અર્પણ કરશે. કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ સ્વ.સાતવજીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
એ.આઈ.સી.સી.ના મહામંત્રી, યુવા નેતા, રાજ્યસભા સાંસદશ્રી રાજીવ સાતવજીના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા એ.આઈ.સી.સી.ના પૂર્વ અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના યુવાનેતા અને રાજ્યસભાના સંસદસભ્યશ્રી રાજીવ સાતવના જવાથી મેં એક સહયોગી-મિત્રને ગુમાવ્યા છે, તેઓ કોંગ્રેસના આદર્શોને મૂર્તિમંત કરનારા વિશાળ સંભાવનાવાળા નેતા હતા. તેમના જવાથી કોંગ્રેસ પક્ષને એક મોટું નુકસાન છે. મેં નિષ્ઠાવાન સહયોગી અને મિત્રને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. હું તેમના નિધન પર શોક પ્રગટ કરું છું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.
તો, એ.આઈ.સી.સી.ના મહાસચિવ શ્રી પ્રિયંકા ગાંધીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, શ્રી રાજીવ સાતવના જવાથી આપણે આપણા એક તેજસ્વી સાથીદાર ગુમાવ્યા છે. શુદ્ધ, નિષ્ઠાવાન, કોંગ્રેસના આદર્શો પ્રત્યે ઊંડાણ પૂર્વક પ્રતિબદ્ધ અને ભારતના લોકો માટે સમર્પિત હતા. મારી પાસે કોઈ શબ્દ નથી, તેમના પરિવાર અને બાળકો માટે સાંત્વના પાઠવું છું.
કોંગ્રેસના યુવા નેતા રાજીવ સાતવના નિધન પર રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે, જાહેર જીવનમાં સતત કાર્યરત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને તથા એમના સ્નેહીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…!!
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના આકસ્મિક નિધનથી નેતાઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ શોકસંદેશામાં જણાવ્યું કે, રાજ્યસભા સાંસદ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો સૌમ્ય અને સાલસ સ્વભાવ, સાદગી અને પક્ષ માટે નિષ્ઠાવા નેતૃત્વ હંમેશા યાદ રહેશે. તેમનુ નિધન કોંગ્રેસ માટે અપૂર્ણીય ક્ષતિ છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને આ દુખના સમયમાં બળ આપે.
કોંગ્રેસના કોંગ્રેસના યુવાનેતા અને રાજ્યસભાના સાંસદશ્રી રાજીવ સાતવજીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે એક એવા સાથીને ગુમાવી દીધા જેમણે અમને રાષ્ટ્રીય યુથ કોંગ્રેસમાં નેતૃત્વ પૂરું પાડ્યું અને આજ સુધી અમારી સાથે ચાલ્યા પણ તે હવે આપણી વચ્ચે નથી. શ્રી રાજીવ સાતવજીની સાદગી, નિખાલસ હસી, જમીન સાથે જોડાઇ રહેવાની તેમની કામગીરી, સરળ નેતૃત્વ અને પાર્ટી તરફની નિષ્ઠા માટે હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરીયા, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના મહાનુભાવોએ પણ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, રાજીવ સાતવજીનું નિધન આમારા સૌ માટે આંચકાજનક સમાચાર છે રાજીવ સાતવજી કર્મઠ, જવાબદાર સાંસદ, પ્રિય સાથીનું આ રીતે અકાળે નિધન એ એક ખોટ જે કયારેય પૂરી નહી શકાય. આજે અમે એક સાથી ગુમાવ્યા છે જેમણે અમોને દરેક પગલામાં ટેકો આપ્યો અને આજ સુધી અમારી સાથે ચાલ્યા. તેમને હંમેશા તેમની સરળતા, નિખાલસતા, ગ્રાઉન્ડ કનેક્શન, નેતૃત્વ અને પાર્ટીની વફાદારી અને મિત્રતા હંમેશ માટે યાદ રહેશે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.