વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર-કચ્છની મુલાકાતે – ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કહેરને લઇ ધાનાણીના સરકાર પર આકરા પ્રહાર
સરકાર ગામડાના લોકો અને ગ્રામ્ય વિસ્તારોને કોરોના સંક્રમણથી બચાવવા તાત્કાલિક, અસરકારક અને પરિણામલક્ષી પગલાં લઇ કાર્યવાહી કરે – કોંગ્રેસ
અમદાવાદ,તા.14
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વધારે જોવા મળ્યો છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી ડોકટરો, નર્સો, મેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં સરકારે ધ્યાન ન આપ્યું તેમજ કોરોના વેક્સિન, દવાઓનો સ્ટોક, જરૂરી મેડિકલ સાધનો, વેન્ટિલેટર, ઓકસીજન સહિતની આરોગ્ય સુવિધાઓના અભાવ જેવી પૂરતી આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહેતા બેકાબુ થયેલ કોરોનાંથી દર્દીઓ ટપોટપ મોત ને ભેટી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે ગામડાના લોકો અને ગ્રામીણ વિસ્તારો માટે તાત્કાલિક, અસરકારક અને પરિણામલક્ષી પગલાં લઇ ગ્રામ્યજનોને કોરોના સંક્રમણથી ભોગ બનતા બચાવવા જોઇએ એમ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું.
વિધાનસભા વિપક્ષનાં નેતા શ્રી પરેશભાઈ ધાનાણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમા સરકારી હોસ્પિટલોમાં રૂબરૂ મુલાકાતો કરીને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યા છે અને દર્દીઓને રૂબરૂ મળીને તેને મળતી સારવારની માહિતી મેળવી રહ્યા છે. ત્યારે ગઈકાલે કચ્છ નાં ભુજ અને ગાંધીધામ ખાતે હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ આજે મોરબીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇને જામનગર જતા વચ્ચે ધ્રોલ તાલુકાની મુલાકાત દરમ્યાન લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની રૂબરૂ મુલાકાત દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. અને તેઓને પડતી મુશ્કેલીઓ જણાવી હતી.
આ દરમ્યાન વિપક્ષ નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ લતીપુર ગામમાં કોરોના બેકાબુ બનેલ છે અને કોરોનાથી સારવારનાં અભાવે આ ગામમાં ૧૩૦ થી વધુ લોકોના મોત પણ થયેલા છે. ત્યારે ભાજપ સરકારને હવે શરમ આવવી જોઈએ કે આટલી મહામારી છતાં સરકારને પેટનું પાણી પણ હલતું નથી. અને આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળ રહેલી સરકાર મહામારીમાં ”મારૂ ગામ કોરોના મુક્ત ગામ” જેવા તાયફાઓ રહી છે. હવે સરકારની એક પછી એક ઉણપો-પોલ જાહેર થવા લાગી છે ત્યારે સરકારે સત્ય સ્વીકારવું જોઈએ અને પ્રજા હિતમાં કામગીરી કરવી જોઈએ પરંતુ સરકાર હજુ આ સમગ્ર મામલે ગંભીર નથી તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર કોરોના સંક્રમણથી પ્રજાજનોને બચાવવામાં ખાસ કરીને ગામડાના વિસ્તારો અને ગામડાના લોકોને સંક્રમણથી બચાવવામાં સરકાર નિષ્ફળ રહી છે, જે બહુ ગંભીર બાબત કહી શકાય. કોંગ્રેસપક્ષ તરફથી અમારી ઉગ્ર માંગ છે કે, રાજય સરકાર ગામડાના લોકો અને ગ્રામ્ય વિસ્તારોને કોરોના સંક્રમણથી બચાવવા તાત્કાલિક, અસરકારક અને પરિણામલક્ષી પગલાં લઇ કાર્યવાહી કરે અન્યથા કોંગ્રેસ પ્રજાજનો માટે આંદોલન કરતાં અચકાશે નહી.