અમદાવાદના ચાંદખેડામાં પણ 14 વર્ષના કિશોરને મ્યુકોરમાઇકોસીસનો કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ – કિશોર પર સર્જરી કરીને જમણી તરફના દાંત કાઢવા પડયા
અમદાવાદ શહેરમાં મ્યુકરમાઈકોસીસના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ખાસ કમિટિની રચના કરાઇ – મ્યુકોરમાઇકોસીસને પગલે સરકાર અને તંત્રની ચિંતા વધી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.21
અમદાવાદ શહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક એક ખાસ કમિટિની રચના કરવામાં આવી છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં આ કમિટિની રચના કરાઈ છે.જેમાં મેડિસીન વિભાગના વડા ડો.કમલેશ ઉપાધ્યાય અને ENT વિભાગના ડો.બેલા પ્રજાપતિની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કમીટી મ્યુકરમાઇકોસીસના કેસો, તેની સારવાર સહિતની વિગતોને લઇ રાજય સરકારને લઇ વિગતવાર રિપોર્ટ રજૂ કરશે અને રાજય સરકાર તેનો રિપોર્ટ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરશે. અમદાવાદની અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં આજે રચાયેલી ખાસ કમીટીમાં અન્ય વિભાગના વડા અને નિષ્ણાતોને પણ સમાવવામાં આવ્યા છે. જેમાં ડેન્ટલ હોસ્પિટલના પ્રોફેસર એન્ડ હેડ ડો.સોનલ આંચલિયાનો પણ સમાવેશ થાય છે.
દરમ્યાન આજે સુરતના કોસંબામાં 23 વર્ષીય યુવકને મ્યુકોરમાઇકોસીસના કોઇ લક્ષણો નહી હોવાછતાં મ્યુકોરમાઇકોસીસનો સીધો જ મગજ પર હુમલો થયો હોવાનો માત્ર ગુજરાત કે દેશનો નહી પરંતુ સંભવતઃ વિશ્વનો સૌપ્રથમ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. બ્રેઇન મ્યુકોરમાઇકોસીસના આ કિસ્સામાં યુવકને આંખ, કાન કે નાકમાં ફંગસ કે તેના અન્ય કોઇ લક્ષણ નહી હોવા છતા આ યુવકને મગજમાં સોજો આવતાં રાજયનો પ્રથમ કેસ સામે આવતાં તબીબી જગત પણ ચોંકી ઉઠયુ હતુ. તબીબી જગતના નિષ્ણાતો પણ આ પડકારરૂપ કેસને લઇ ચિંતામાં મૂકાયા હતા. તો, અમદાવાદમાં પણ 14 વર્ષના એક કિશોરના મ્યુકોરમાઇકોસીસના કેસને લઇ બાળકોમાં હવે મ્યુકોરમાઇકોસીસના કેસો વધવાની ચિંતાને લઇ આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ. ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં તેની સર્જરી કરવાની ફરજ પડી હતી અને જમણી તરફના દાંત કાઢવાની તબીબોને ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં આ કિશોરને કોરોના થયો હતો અને ત્યારબાદ તે મ્યુકોરમાઇકોસીસના સંકજામાં સપડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેની વચ્ચે મ્યુકોરમાઈકોસીસ(બ્લેક ફંગસ)એ સરકાર અને તંત્રની ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસને અનેક રાજ્યએ મહામારી જાહેર કરી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે પણ તેને મહામારી જાહેર કરી છે. બ્લેક ફંગસને મહામારી જાહેર કરનાર ઉત્તર પ્રદેશ આઠમું રાજ્ય છે. આ પહેલા ગુજરાત, તેલંગણા, રાજસ્થાન, આસામ, ઓડિસા, પંજાબ અને ચંદીગઢ તેને મહામારી જાહેર કરી ચૂક્યા છે. કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકોમાં અત્યાર સુધી કેસ જોવા મળતા ન હતા, પણ પહેલીવાર ગુજરાતમાં અમદાવાદમાં 14 વર્ષના કિશોરમાં મ્યુકોરમાઇકોસીસીનો કેસ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે બાળકો પણ હવે આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે., જેને લઇ હવે આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે અને પહેલેથી જ અસરકારક પગલાં ભરી તે દિશામાં પ્રયત્નશીલ બન્યુ છે.
અમદાવાદ સહિત રાજયભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસો ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યા છે. હાલ અમદાવાદમાં મ્યુકોરમાઇકોસીસના આશરે 500થી વધુ, સુરતમાં 400થી વધુ, વડોદરામાં 125થી વધુ અને રાજકોટમાં 300થી વધુ કેસો નોંધાયા છે, આ શહેરોમાં સ્થાનિક સિવિલ હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે અલગ અલાયદા વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગઇકાલે જ કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની અપીલ કરી હતી. જેમાં નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. કેંદ્ર સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો. જેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પણ ગઇકાલે મ્યુકોરમાઇકોસીસને મહામારી જાહેર કરી હતી.