આ તપાસ પંચ યોગ્ય તપાસ કરીને ઘટના બનવા પાછળ ના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે
ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ અપાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ભરૂચ ખાતે ની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી એ મહેતા ના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ યોગ્ય તપાસ કરીને ઘટના બનવા પાછળ ના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે.
ભરૂચ ખાતેની આ દુઃખદ ઘટના સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંપૂર્ણ સંવેદના સાથે મૃતકોના પરિવારજનોને સહાયરૂપ થવા રૂપિયા ૪ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ આપવામાં આવશે. મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચીને વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓએ ના પાડવા છતાંય આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવ્યા છે એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય કરાયો છે.