આયુર્વેદ પ્રેમીએ માત્ર આયુર્વેદિક સારવારથી કોરોનાને આપી મ્હાત
આયુર્વેદ પ્રત્યેના મારા અતૂટ વિશ્વાસ, આયુષ તબીબનું સચોટ માર્ગદર્શન અનેમાત્ર આયુર્વેદિક ઔષધોના સેવનથી બે દિવસમાં જ કોરનાના તમામ લક્ષણો દૂર થઇ ગયા: માત્ર દસ દિવસમાં રિપોર્ટ નેગેટિવ મયુરભાઈ પટેલ
અમદાવાદ,તા.24
વૈશ્વિક કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા તથા કોરોના સંક્રમિત માઇલ્ડ-એસિમ્ટોમેટીક નાગરિકોની સારવાર માટે આયુષ પદ્ધતિ આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કોરોનામાં આયુર્વેદિક સારવારના અસરકારક પરિણામોને કારણે નાગરિકોમાં આયુર્વેદની સારવાર પ્રત્યેના અભિગમમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજયના નાગરિકોને રોગપ્રતિરોધક ઔષધ અને કોરોના પોઝીટીવ દર્દીઓને આયુષ ચિકિત્સા પૂરી પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે. કોરોનાની આયુર્વેદિક સારવારથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત ફુગજન્ય બિમારી થવાની શક્યતા ઓછી રહે છે તેમ આયુષ નિયામકશ્રીએ જણાવ્યુ છે.
તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના પાટણ ખાતે રહેતા આયુર્વેદ પ્રેમી શ્રી મયુરભાઈ અંબાલાલ પટેલે માત્ર આયુર્વેદિક સારવારથી કોરોનાને મ્હાત આપી છે. પાટણ તાલુકા પંચાયત ખાતે કરાર આધારિત એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરભાઈ અંબાલાલ પટેલે આયુષ સારવાર થકી કોરોનાને હરાવ્યા બાદ આયુષ ડોક્ટરનો આભાર માનતા કહ્યું કે, આયુર્વેદ પ્રત્યેના મારા અતૂટ વિશ્વાસ, આયુષ તબીબનું સચોટ માર્ગદર્શન અને માત્ર આયુર્વેદિક ઔષધોના સેવનથી બે દિવસમાં જ કોરનાના તમામ લક્ષણો દૂર થઇ ગયા હતા.
માત્ર આયુષ દવાઓથી કોરોના મુક્ત થયેલા શ્રી મયુરભાઈ પટેલે કહ્યું કે, તા. ૨૨/૪/૨૦૨૧ના રોજ મને શરદી અને તાવના લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવતા મને ઘરે રહી દવા લેવાની સલાહ આપવામાં આવી હતી. આયુર્વેદ માટે અત્યંત પ્રેમ અને વિશ્વાસ હોવાના કારણે મે સંપૂર્ણ આયુર્વેદિક સારવાર લેવાનું નક્કી કર્યું. પાટણની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબીબનો ટેલીફોનથી સંપર્ક કર્યો. આયુષ તબીબે સામાન્ય લક્ષણ હોવાથી ગભરાવાની કોઈ આવશ્યકતા નથી તેમ જણાવી આયુર્વેદ પ્રમાણે કોરોનાની સારવાર દરમિયાન શું ખાવું, શું ન ખાવું તેમજ દિવસ દરમિયાન શું શું કરવું તેનું સચોટ માર્ગદર્શન આપી જરૂરી આયુષ દવાઓ આપી હતી. મે માત્ર આ આયુર્વેદ ઔષધોનું સેવન ચાલુ રાખ્યું અને પરિણામે બે દિવસમાં તો કોરોનાના લક્ષણો દૂર થઇ ગયા હતા. આયુષ તબીબના માર્ગદર્શનથી દસ દિવસના આરામ પછી ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો. અને આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ મારૂ ઇજનેર તરીકેનું કામ પણ મે શરૂ કરી દીધું છે. આયુર્વેદ સારવારની વિશેષતા સંદર્ભે શ્રી મયુરભાઈએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, સામાન્ય રીતે કોરોના પછી અશક્તિ કે શરીરનો દુખાવો રહેતો હોય છે પરંતુ મને આયુર્વેદિક સારવારના પરિણામે આવી અશક્તિ કે શરીરનો દુખાવો થયો નથી અને આજે હું પહેલાંની જેમ જ તંદુરસ્તી અનુભવી રહ્યો છું.
આજના સમયમાં આયુર્વેદિક સારવારથી ઝડપી, સચોટ અને અસરકારક પરિણામો મળી રહ્યાં છે. કોરોના મહામારી પહેલા જેઓ આયુર્વેદ સારવારને માત્ર જૂના, હઠીલા રોગ માટેની સારવાર જ ગણતા અને કોઈ પણ બિમારીમાં આયુર્વેદ સારવાર લેવાથી પરિણામો ધીમે ધીમે મળે છે એવી માનસિકતા દાખવતાં જે આજે બદલાઈ છે અને નાગરિકોનો આયુર્વેદની સારવાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે ત્યારે નાગરિકોને આયુષ સારવાર લેવા તેમણે અનુરોધ પણ કર્યો છે.