કોરોનાના કપરા કાળમાં પૈસાના લાલચુ લોકો માનવતા નેવે મૂકી રહ્યા છે
રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા – આરોપીઓ રેમડેસિવિર ઇંજેકશન રૂ.25થી 40હજાર સુધીના ઉંચા ભાવે કાળાબજારી કરવાની ફિરાકમાં હતા પરંતુ તે પહેલાં જ ઝડપાઇ ગયા
અમદાવાદ, તા.3
કોરોનાના આ કપરા કાળમાં એકબાજુ હજારો લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે અને હોસ્પિટલોમાં કે દવાખાનાઓમાં બેડ, ઓકિસજન, વેન્ટીલેટર અને રેમડેસિવિર ઇંજેકશનની અછત પ્રવર્તી રહ્યા છે ત્યારે તેવા સમયે પણ પૈસાના લાલચુ તત્વો કોરોના મહામારીના આ કપરા કાળમાં પણ માનવતા નેવે મૂકી રહ્યા છે. રામોલ પોલીસે રેમડેસિવિર ઇંજેકશનની કાળાબજારી કરતાં વધુ ચાર આરોપીઓ ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. અગાઉ પણ અમદાવાદ સિવાય રાજયના સુરત સહિતના જુદા જુદા શહેરો અને સ્થળોએ કોરોનાની સારવારમાં કારગત એવા રેમડેસિવિર ઇંજેકશનના કાળાબજાર થતા હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે અમદાવાદમાં રામોલ વિસ્તારમાં માધવ સ્કૂલ પાસેથી રામોલ પોલીસે ચાર આરોપીઓને રેમડેસિવિરના ચાર ઇંજેકશન સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રામોલ પોલીસને બાતમી મળી હતી કે કોરોના કાળમાં રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશનના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા. ગુજરાતમાં કોરોનાનો કાળ લોકોના જીવ ભરખી રહ્યો છે તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં જ રેમડેસિવિર ઇંજેકશનની કાળા બજારી કરતા ચાર આરોપીઓની ચાર ઇંજેકશન સાથે રામોલ પોલીસે ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. રામોલ પોલીસે બાતમીના આધારે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવરને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. આ ચારેય યુવાનોમાંથી ઇંજેકશન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇંજેકશન મેળવ્યા હતા. શશાંક અને નિલ બને રૂ.26 હજારમાં વિકાસ અને પ્રવીણ ને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ 26 હજાર ની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે 30 થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા. હવે રામોલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે શશાંક અને નિલને ઇંજેકશન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ એ ઇન્જેક્શન છે એ જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇંજેકશન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી. એટલે કે જ્યારે પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે. ત્યારે જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે. અને વધેલા ઇંજેકશન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે પણ હોસ્પિટલના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેથી હવે પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.