એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસમાં 200 સર્જરી કરવી પડી, દર્દી વધતાં ઓપરેશન થિયેટર ખૂટી પડયા
શહેરની એલજી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન નહી હોવાના પાટિયા – દર્દી અને તેમના પરિવારજનોની ઇન્જેકશન મેળવવા રીતસરના વલખાં
અમદાવાદની જેમ વડોદરા, સુરત, મહેસાણા, ભાવનગર સહિતના શહેરોમાં પણ મ્યુકોરમાઇકોસીસના દર્દીની સંખ્યા બહુ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહી છે. આ શહેરોમાં સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ મ્યુકોરમાઇકોસીસના કેસો નોંધપાત્ર સંખ્યામાં વધી રહ્યા હોઇ એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશનની જરૂરિયાત પણ એટલા જ પ્રમાણમાં વધી
અમદાવાદ,તા.23
મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશનની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા અને ફાળવણીના સરકાર અને તંત્રના દાવા વચ્ચે આજે પણ અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ શહેરોમાં એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશનની તીવ્ર અછત વર્તાઇ હતી. બીજીબાજુ, મ્યુકોરમાઇકોસીસના કેસો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યા છે. અમદાવાદની અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં તો, મ્યુકોરમાઇકોસીસના દર્દીના ઓપરેશન માટેના ઓપરેશન થિયેટરો ખૂટી પડયા હોય તેવી પરિસ્થિતિ બની રહી છે. તો, સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીની સારવાર માટે એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશનની કુલ જરૂરિયાત સામે માત્ર દસ ટકા ઇન્જેકશનની ફાળવણી થઇ રહી છે. તો, મણિનગરની એલજી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશનનો સ્ટોક નહી હોવાના પાટિયા લગાવેલા જોવા મળતા હોઇ દર્દી અને તેના પરિવારજનો આ ઇન્જેકશન માટે રીતસરના વલખાં મારી રહ્યા છે અને રઝળપાટ કરી રહ્યા છે.
અમદાવાદની મોટી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 516થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે, રોજ નવા 25થી 30 દર્દી નવા ઉમરાતા જાય છે. અત્યારસુધીમાં કુલ 200 જેટલા દર્દીની સર્જરી પણ કરી દેવામાં આવી છે. જેમાં 65થી વધુ દર્દીના દાંત, દાઢ, જડબા કે, આંખના કેટલાક હિસ્સા કાઢવાની ફરજ પડી છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીના સેમ્પલનું બીજે મેડિકલ કોલેજની બાયોલોજી લેબમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં રોજના 100ની આસપાસ સેમ્પલ મોકલાય છે જે પૈકી આશરે 35થી 40 ટકા દર્દી મ્યુકોરમાઇકોસીસના હોવાનું સામે આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસમાં 200 જેટલી સર્જરી કરવી પડી છે, જે બહુ નોંધનીય કહી શકાય.
ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ મહામારીનો બહુ ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન અમદાવાદ સહિત રાજયભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં બ્લેક ફંગસ બાદ વ્હાઇટ ફંગસના ખતરનાક કેસો પણ સામે આવતાં સરકાર અને તંત્રની સાથે સાથે નિષ્ણાતો પણ દોડતા થયા છે. બીજીબાજુ, મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે દવા અને ઇન્જેકશનની ભારે અછત વર્તાઇ રહી છે, જેના કારણે દર્દી અને તેના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરની એલજી હોસ્પિટલમાં તો, છેલ્લા ત્રણ દિવસથી એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન ઉપલબ્ધ નહી હોવાના પાટિયા લાગ્યા છે. જેને લઇ દર્દી તેમ જ તેમના પરિવારજનોએ આ ઇન્જેકશન મેળવવા માટે ભારે રઝળપાટ કરવી પડી રહી છે. તેમછતાં હજુ તંત્ર કે સરકારના સત્તાધીશો જાગતા નથી. બીજીબાજુ, સમગ્ર દેશની વાત કરીએ તો, દેશમાં મ્યુકોરમાઇકોસીસના સૌથી વધુ કેસ ગુજરાતમાં 2500ની આસપાસ નોંધાયા છે, જેમાં અત્યારસુધીમાં 74થી વધુ દર્દીના મોત થઇ ચૂકયા છે. તેમાં પણ સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં 36થી વધુ દર્દીના નોંધાયા છે.
કેન્દ્ર સરકાર તરફથી મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટેરીસીન –બીના વધારાના 5800 ઇન્જેકશન ગુજરાત મોકલાયા છે પરંતુ નિષ્ણાત તબીબોના મતે, આટલા ઇન્જેકશનો જે પ્રમાણે દર્દી વધી રહ્યા છે તે જોતાં પૂરતા નથી., હાલની સખ્યા પ્રમાણે જે દર્દી છે, તેમની સારવાર માટે પણ 14 હજાર જેટલા ઇન્જેકશનોની જરૂરિયાત હોઇ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ઇન્જેકશનોની વ્યવસ્થા થાય તે ખૂબ જરૂરી છે. રાજય સરકાર દ્વારા એક તરફ મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસની સારવાર માટે મહત્વના ઈંજેકશનની હજુ પણ અછત જોવા મળી રહી છે. દર્દીના પરિવારજનોએ પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે કે, છેલ્લા ત્રણ દિવસથી અમને એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન મળતા નથી. પહેલા તો, મેડિકલ સ્ટોરમાં પણ આ ઇન્જેકશન મળતા હતા પરંતુ હવે તો ત્યાંથી પણ મળતા નથી. તો, દર્દી તેમ જ તેમના પરિવારજનો આ ઇન્જેકશન લાવે કયાંથી..આમ, મ્યુકોરમાઇકોસીસના પૂરતા ઇન્જેકશન ઉપલબ્ધ બનાવવામાં આવશે તેવા સરકારના દાવા પોકળ સાબિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ખુદ ગુજરાત કેમીસ્ટ એસોસીએશનના ચેરમેન જશુભાઇ પટેલે ખુદ ગઇકાલે તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે, રાજયમાં મેડિકલ સ્ટોરમાં પણ એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન ઉપલબ્ધ નથી, દર્દી તેમ જ તેમના પરિવારજનોને જીએસટી બીલ સાથે જ આ ઇન્જેકશન ખરીદવા તેમણે અપીલ કરી હતી નહી તો, રેમડેસીવીર ઇન્જેકશનની જેમ આ ઇન્જેકશનની કાળાબજારીની પણ દહેશત તેમણે વ્યકત કરી હતી અને સાથે સાથે સરકારને એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન સરળતાથી મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ બનાવાય અને તેના મારફતે દર્દી તેમ જ તેમના પરિજનોને આ ઇન્જેકશન સુગમતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા કરવા મહત્વપૂર્ણ અપીલ કરી હતી.
અમદાવાદની જેમ વડોદરા, સુરત, મહેસાણા, ભાવનગર સહિતના શહેરોમાં પણ મ્યુકોરમાઇકોસીસના દર્દીની સંખ્યા બહુ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહી છે. આ શહેરોમાં સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ મ્યુકોરમાઇકોસીસના કેસો નોંધપાત્ર સંખ્યામાં વધી રહ્યા હોઇ એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશનની જરૂરિયાત પણ એટલા જ પ્રમાણમાં વધી રહી હોઇ સરકાર અને તંત્રએ દર્દી અને તેના પરિવારજનોની લાચારી અને રઝળપાટ ધ્યાનમાં લઇને પણ માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક ધોરણે પૂરતી માત્રામાં તમામ શહેરોમાં અને હોસ્પિટલોમાં એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન પૂરા પાડવા જોઇએ તેવી પણ દર્દીના સગાવ્હાલા અને પરિજનોની સાથે સાથે તબીબી આલમમાં પણ ઉગ્ર માંગ ઉઠી છે.