જીટીયુની બાયો સેફ્ટી લેબ દ્વારા કોવિડ-19 સંદર્ભે કરવામાં આવેલ સર્વેમાં રસપ્રદ તારણો સામે આવ્યાં
સંક્રમીત થયેલા 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ ઉપરાંત 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં. જેથી કરીને વધુમાં વધુ લોકોએ સત્વરે વેક્સિન લેવી જોઈએ.-પ્રો. ડૉ. નવીન શેઠ (કુલપતિ , જીટીયુ)
કુલ 2368 RTPCR ટેસ્ટના સર્વેમાં જાણવા મળ્યું કે, પોઝેટીવ આવેલા 1127 માંથી 94.74% લોકો હોમ આઈશોલેશનથી જ સ્વસ્થ થયાં
અમદાવાદ, તા.23
સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જીટીયુ દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી થી લઈને 15 મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું યોગ્ય નિદાન કરેલ છે. જેમાં 1409 પુરુષ 959 સ્ત્રીઓ હતી. જેમાંથી 1127 રિપોર્ટ પોઝેટીવ આવ્યાં હતાં. જીટીયુની બાયોસેફ્ટી લેબ દ્વારા છેલ્લા 3 મહિનાના ડેટા આધારિત સર્વે કરવામાં આવ્યું છે. જેમાં વય, બ્લડ ગ્રુપ , રિકવરી રેટનો સ્ત્રી અને પુરુષમાં પ્રમાણ તેમજ વેક્સિન મેળવેલ છે કે નહીં જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સંક્રમીત થયેલા 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ ઉપરાંત 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં. જેથી કરીને વધુમાં વધુ લોકોએ સત્વરે વેક્સિન લેવી જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે પણ વધુમાં વધુ લોકોને વેક્સિન મેળવવાની અપીલ કરીને જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટને સર્વે માટે અભિનંદન પાઠવ્યા હતાં.
ડૉ. વૈભવ ભટ્ટના જણાવ્યું અનુસાર, અત્યાર સુધી 2368 કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. જેમાંથી 1127 વ્યક્તિના રિપોર્ટ પોઝેટીવ આવ્યાં છે. આ સંદર્ભે જીટીયુની બાયો ટેક લેબ દ્વારા પૂર્વવત્ત તૈયારીના ભાગરૂપે સર્વે માટે ટેસ્ટ કરાવવા આવતાં દરેક વ્યક્તિનો ડેટા સંગ્રહિત કર્યો હતો. વિવિધ મુદ્દાઓને સાંકળીને છેલ્લા 3 મહિનાના સમયગાળાનો સર્વે કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે કે, 94.74% લોકો હોમ આઈશોલેશનથી જ આ બિમારીને દૂર કરીને સ્વસ્થ થયાં છે. સૌથી વધુ પોઝીટીવ કેસ 21 થી 40 વયજૂથમાં 44.99% જોવા મળ્યાં હતાં. જ્યારે 41થી 60 વયજૂથમાં 31.14% સંક્રમણનું પ્રમાણ જોવા મળતાં દર્શાવે છે કે, કોરોનાની 2જી વેવમાં યુવાનો વધુ પ્રમાણમાં આ બિમારીમાં સપડાયાં છે. 0 થી 10 , 11 થી 20, વયજૂથમાં જોવા જઈએ તો, અનુક્રમે 2.31%, 10.65% અને 60થી વધુના વય જૂથમાં 10.91% પોઝેટીવ આવ્યાં હતાં. 20માર્ચ પછી અનુક્રમે પોઝેટીવ કેસના દરમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. એપ્રિલના પ્રથમ 2 સપ્તાહ પછી 60% થી પણ વઘુનો ઉછાળો જોવા મળ્યો હતો. જે તાજેતરમાં 10% જેટલે પહોંચી ગયો છે. એટલે કે, 50% જેટલો ઘટાડો નોંધાયો છે. મૃત્યુદર પણ 0.71% રહ્યો છે. કુલ પોઝીટીવ ટેસ્ટમાંથી 8 દર્દીના મૃત્યુ થયેલ છે. જ્યારે બાકીના 99.29% દર્દીઓએ આ મહામારીને માત આપી છે. 5.26% લોકોને વધુ અસરને ધ્યાનમાં રાખીને દવાખાને દાખલ થવાની ફરજ પડી હતી.
લિંગ આધારિત રેશિયો જોવા જઈએ તો, પુરૂષમાં 56.43% અને સ્ત્રીમાં 43.57% પોઝીટીવ કેસ નોંધાયા હતાં. O+ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો સૌથી વધુ 40.34% સંક્રમિત થયા હતાં. જ્યારે સૌથી ઓછો સંક્રમિત 0.46% સાથે AB- બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો જોવા મળ્યાં હતાં. જ્યારે અન્ય બ્લડ ગ્રુપ જેવા કે, O- 0.92%, A+ 19.63%, A-0.61%, B+ 33.28%, B-1.53%, AB+ 8.59 % પોઝેટીવ ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું હતું. સરકારશ્રી દ્વારા પણ સમગ્ર દેશમાં વેક્સિનેશન માટે મોટા પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે , ત્યારે વેક્સિન મેળવેલા 86.6% લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યાં હતાં. વેક્સિન મેળવેલ હોવાથી 53.33% લોકો કોરોના પોઝેટીવ થતાં બચ્યા હતાં. સર્વેમાં જોવા મળ્યાં અનુસાર, 94.74% લોકોએ ઘરે રહીને જ ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર લઈને સ્વસ્થતા પ્રાપ્ત કરી છે.