વિશ્વભરમાં દર વર્ષે આશરે 80 લાખથી વધુ લોકો ગુટખા-તમાકુના વ્યસનના કારણે મોતને ભેટે છે
ભારતમાં પંદર વર્ષથી વધુના વયના અને યુવાવર્ગમાં ગુટખા-તમાકુનું સેવન સૌથી વધુ અને ઘાતક
શહેરના યુવક તુષાર શાહે 25થી વધુ યુવાનોને તમાકુ અને 20થી વધુ યુવકોને સીગારેટના વ્યસનમાંથી મુકત બનાવી સામાજિક સેવા અને પ્રેરણાનું અનોખુ ઉદાહરણ પાડયુ
તુષારે મૂળ રાજસ્થાનના વતની અને અમદાવાદમાં ચાની કિટલી પર કામ કરતાં ગૌતમ નામના છોકરાને તમાકુના વ્યસનમાંથી બચત કરતા શીખવાડયુ, બચતના એ પૈસા ગૌતમની માતાને એપેન્ડીક્સના ઓપરેશનમાં કામમાં લાગ્યા ત્યારે એ છોકરો તુષારના પગે પડી ગયો
અમદાવાદ,તા.30
આવતીકાલે તા.31મી મે એટલે વિશ્વ તમાકુ વિરોધી દિન(વર્લ્ડ નો ટોબેકો ડે)ને લઇ અમદાવાદ, ગુજરાત, ભારત સહિત વિશ્વભરમાં તમાકુ-ગુટખા-સીગારેટના વ્યસનમુકિત અંગે વૈશ્વિક જાગૃતિ અને પ્રચાર-પ્રસારના પ્રયાસો થશે પરંતુ આજે પણ નક્કર અને કરૂણ વાસ્તવિકતા એ છે કે, ભારતમાં આજે પણ તમાકુ-ગુટખા-સીગારેટનું વ્યસન એટલુ ગંભીર અને ઘાતક સાબિત થઇ રહ્યું છે. ભારતમાં તમાકુના વ્યસનના કારણે વર્ષેદહાડે આશરે 14 લાખથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે તો, વિશ્વભરમાં દર વર્ષે આશરે 80 લાખથી વધુ લોકો ગુટખા-તમાકુના વ્યસનના કારણે મોતને ભેટે છે. ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે, પંદર વર્ષથી વધુના વયના છોકરાઓ અને યુવાવર્ગમાં ગુટખા-તમાકુનું સેવન સૌથી વધુ અને ઘાતક સાબિત થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ કટકિયાવાડના રહેવાસી યુવાન તુષાર દિપેન્દ્રભાઇ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી તમાકુ વિરોધી અભિયાન ચલાવી લોકોને ખાસ કરીને યુવાનો અને પંદર વર્ષથી વધુ વયના છોકરાઓને તમાકુ-ગુટખા અને સીગારેટના વ્યસનમાં મુકત કરવાના અથાગ પ્રયાસો કરી રહ્યો છે. તુષાર શાહે અત્યારસુધીમાં 25થી વધુ યુવાનોને તમાકુ અને 20થી વધુ યુવકોને સીગારેટના વ્યસનમાંથી મુકત બનાવી સામાજિક સેવા અને પ્રેરણાનું અનોખુ ઉદાહરણ પાડયુ છે. તુષાર શાહની આ અનોખી અને નિઃસ્વાર્થ સામાજિક સેવાને લઇ લીઓ લાયન્સ કલબ, જેસી કલબ, ફિલીપ્સ કંપની સહિતની અનેક સંસ્થાઓ તરફથી તેને એવોર્ડ-સન્માન આપી તેનું બહુમાન કરી તેની આ સેવા પ્રવૃત્તિને બિરદાવાઇ છે.
સમાજમાં વ્યસનના ગુલામ બનેલા આ યુવકોને વ્યસનના બંધાણીમાંથી મુકત કરવાના કપરા કાર્ય અંગે તુષાર શાહ જણાવે છે કે, એક વ્યકિતને ગુટખા, તમાકુ કે સીગારેટનું વ્યસન છોડાવતા આશરે છ મહિના કે તેનાથી પણ વધુ સમય લાગી જતો હોય છે. રોજના એક કલાક પ્રમાણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસનો સમય તે વ્યસની વ્યકિત પાછળ તેને સમજાવવા અને તેને સાચા માર્ગે વાળવા માટે આપવો પડે છે. આજના માનસિક તણાવવાળા જમાનામાં ઘણા લોકોને ખાસ કરીને યુવાવર્ગને એવી ભ્રમિત ગ્રંથિ બંધાઇ જાય છે કે, ગુટખા તમાકુના સેવનથી માનસિક તણાવ દૂર થાય છે અથવા તો રાહત મળે છે પરંતુ વાસ્તવમાં એવું કંઇ નથી. ઉલટાનું ગુટખા તમાકુના વ્યસનના કારણે તે બહુ ખરાબ રીતે તેનો બંધાણી બની જાય છે અને ધીરે ધીરે મોતના મુખમાં ધકેલાઇ જાય છે.
સમાજના યુવાવર્ગને બહુ સુંદર સંદેશો આપતાં આ સેવાભાવી યુવક તુષાર શાહ વધુમાં જણાવે છે કે, માનસિક તણાવ દૂર કરવા માટે ઇશ્વરનું ધ્યાન ધરવું જોઇએ, તમે મેડિટેશન કરો, સારા પુસ્તકો વાંચો, વર્તમાનપત્રો વાંચો…ઇશ્વરના ગુલામ બનો, સારા પુસ્તકનો ગુલામ બનો પરંતુ ગુટખા, તમાકુના ગુલામ કયારેય ના બનો. આજના માનસિક તણાવવાળા જીવનમાં વ્યકિતને પોતાની જાત સાથે વાત કરવાનો સમય નથી પરંતુ આવા જીવલેણ અને ઘાતક તમાકુ, ગુટખાનું સેવન કરી બિમાર પડવાનો અને મોતના મુખમાં આપોઆપ ધકેલાવાનો સમય કાઢી લે છે તે કરૂણતા હ્રદયદ્રાવક છે.
તુષાર શાહે વર્ષો પહેલાનો એક યાદગાર કિસ્સો વાગોળ્યો કે જેમાં મૂળ રાજસ્થાનના વતની અને અમદાવાદમાં ચાની કિટલી પર કામ કરતાં ગૌતમ નામના છોકરાને તેણે તમાકુના વ્યસનમાંથી બચત કરતા શીખવાડયુ, આ માટે તુષારે વ્યસની છોકરા પાછળ છ મહિના કરતાં પણ વધુ સમય બગાડયો પરંતુ તેને બહુ શાંતિ, ધીરજ અને પ્રોત્સાહિત કરી જીવનની બહુમૂલ્યતા સમજાવી સફળ પ્રયાસ કર્યો. આખરે ગૌતમનું મન પરિવર્તન થયુ અને તેણે તમાકુનું વ્યસન છોડી દીધુ. એટલું જ નહી, તમાકુના વ્યસન પાછળ ખર્ચતા એ પૈસા બચાવવાનું પણ તુષારે એ આદિવાસી છોકરા ગૌતમને શીખવાડયુ અને પરિણામ એ આવ્યું કે, એક દિવસ જયારે ગૌતમની માતાને એપેન્ડીક્સનું ઓપરેશન હતુ અને જયારે ગૌતમને પૈસાની બહુ જરૂર હતી ત્યારે તેણે તુષારના માર્ગદર્શનથી કરેલી બચતના એ પૈસા જ તેની માતાને એપેન્ડીક્સના ઓપરેશનમાં કામમાં લાગ્યા ત્યારે એ છોકરો તુષારના પગે પડી ગયો અને રડવા લાગ્યો. તુષારે તેને ઉઠાવી તેને ગળે લગાવ્યો અને જીવનમાં બસ આ જ રીતે સાચા રસ્તે જીવી જીવન સાર્થક કરવા પ્રોત્સાહિત કર્યો. આવતીકાલે તા.31મી મે ના દિને ગુજરાત, ભારત સહિત વિશ્વભરમાં વિશ્વ તમાકુ વિરોધી દિનની ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદના તુષાર શાહ નામના આ યુવાનની નિઃસ્વાર્થ અને પ્રેરણારૂપ સેવા સમાજના અન્ય લોકોને પણ એક નવી દિશા અને રાહ ચીંધી રહી છે.