રાજયના માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અને નિવૃત્ત થયેલા કેટલાક કર્મચારીઓને પાંચમા પગારપંચના તફાવતની રકમ, જાહેર રજાઓ, દૈનિક રોજમદાર તરીકે નોકરીમાં દાખલ થયા હોય તે તારીખથી પેન્શન, ગ્રેજયુઇટી અને ઉચ્ચત્તર પગારધોરણ સહિતના લાભો મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી
ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી રાજયના અન્ય નાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને પણ ઘણી રાહત થશે અને આવા કેસોમાં હાઇકોર્ટનો આ ચુકાદો માર્ગદર્શક સાબિત થશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.૩
રાજયના માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અને નિવૃત્ત થયેલા કેટલાક કર્મચારીઓને પાંચમા પગારપંચના તફાવતની રકમ, જાહેર રજાઓ, દૈનિક રોજમદાર તરીકે નોકરીમાં દાખલ થયા હોય તે તારીખથી પેન્શન, ગ્રેજયુઇટી અને ઉચ્ચત્તર પગારધોરણ સહિતના લાભો મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી, જેની સુનાવણીના અંતે હાઇકોર્ટના જસ્ટિસ એ.એચ.સુપૈયાએ એક મહત્વના અને સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે અરજદાર કર્મચારીઓને તા.૧૭ ૧૦-૧૯૮૮ ના માર્ગ અને મકાન વિભાગ વિભાગના ઠરાવ અન્વયેના ચૂકવવામાં નહીં આવેલા તમામ લાભો ત્રણ માસની અંદર ચૂકવી આપવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજયના અન્ય નાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને પણ ઘણી રાહત થશે અને આવા કેસોમાં હાઇકોર્ટનો આ ચુકાદો માર્ગદર્શક સાબિત થશે.
અરજદાર ભગવાનજી ભુલાજી ઠાકોર તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ વિધી જે.ભટ્ટે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તળેના જુદા જુદા ડિવીઝનોમાં છેલ્લા ત્રીસ , વર્ષથી કાર્યરત એવા કાયમી રોજમદાર ભગવાનજી ભુલાજી ઠાકોર તથા અન્ય ૧૪ કર્મચારીઓએ તેઓની દોલતભાઇ પરમાર કમિટીની ભલામણોને આધારે તા.૧૭ ૧૦-૧૯૮૮ ના ઠરાવ અન્વયે તમામ લાભો તેઓને ચૂકવવા માટે સંબંધિત ખાતાઓમાં રજૂઆતો કરી હતી. પરંતુ સંબંધિત ખાતાઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગના તા.૧૭-૧૦-૧૯૮૮ ના ઠરાવ અન્વયેના લાભો જેવા કે , જાહેર રજાઓ , વાહન ભથ્થુ , લીવ ટ્રાવેલ કન્સેશન , પાંચમાં પગાર પંચના તફાવતની રકમ , નિવૃત્તિના સમયે જમા રજાનું રોકડમાં રૂપાંતરનો લાભ તથા જે તારીખે દૈનિક રોજમદાર તરીકે નોકરીમાં દાખલ થયા હોય તારીખથી તેઓને પેન્શન , ગ્રેગ્યુઇટીના લાભો આપવા તેમજ ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવાનો કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ વિધી જે.ભટ્ટે હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, ગુજરાત રાજ્યના તા.૧૭-૧૦-૧૯૮૮ ના માર્ગ અને મકાન વિભાગના તમામ લાભો જે રીતે ગુજરાત રાજ્યના અન્ય વર્ગ -૪ ના કાયમી કર્મચારીઓને મળવાપાત્ર છે તેવું ઠરાવેલું હોવા છતાં તેમજ હાઇકોર્ટના અન્ય સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ પી.ડબલ્યુ.ડી . અને ફોરેસ્ટ એમ્પ્લોઇ યુનિયન તથા અન્ય બીજાઓના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૩ માં જે ચુકાદો આપ્યો હતો તે મુજબ હાલના અરજદારોને પણ ઉપરોકત તમામ લાભો મળવાપાત્ર છે પરંતુ સરકારના સત્તાવાળાઓ હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના આ અંગેના ચુકાદાની પણ અવગણના કરી રહ્યા છે અને અરજદાર કર્મચારીઓને તેમના લાભ અને અધિકારથી વંચિત રાખી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટની ડિવીઝન બેન્ચના ચુકાદા અન્વયે વર્ગ -૪ ના કાયમી રોજમદાર ભગવાનજી ભુલાજી ઠાકોર તથા અન્ય ૧૪ રોજમદારો દ્વારા ઉપરોકત તમામ લાભો મેળવવા વારંવાર સરકારના સંબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકારના સંબંધિત એકઝીકયુટિવ એન્જિનિયર તથા અધિક્ષક ઇજનેર દ્વારા તેની અમલવારી કરવામાં આવી રહી નથી. જેના કારણે અરજદાર કર્મચારીઓ તેમના હક્ક અને અધિકારોથી વંચિત રહ્યા છે ત્યારે હાઇકોર્ટે પ્રસ્તુત કિસ્સામાં યોગ્ય દરમ્યાનગીરી કરી સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખી અરજદારોને ન્યાયપૂર્ણ હુકમ કરી આપવો જોઇએ. અરજદારના એડવોકેટ વિધી જે ભટ્ટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખીને ઉપરમુજબ મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.
#bharatmirror21 #bharatmirror #news #high-court #salary #employees #Roads #Buildings #Department